રૈયાધાર પાસે શાંતિનગર ગેઈટ નજીક કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણ વગર ધોકાના ઘા ઝીકી એક કારના કાચ ફોડી 40 હજારનું નુકશાન કર્યું હોવાની ઘટના સામે આવી છે.અરજીના આધારે ગાંધીગ્રામ પોલીસે રાયોટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ભોમેશ્વર મેઈન રોડ પરની જાગૃતિ સોસાયટી શેરી નં.5માં રહેતાં અને ફોટોગ્રાફી કરતાં કિશન રાવ (ઉ.વ.26)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.21ના રોજ રાત્રે એકાદ વાગે શિતલ પાર્કમાં યોજાયેલા નવરાત્રી મહોત્સ્વમાંથી ત્રણ મિત્રો સાથે વર્ના કારમાં યુનિવર્સિટી રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં જમવા જતો હતો.કાર મિત્ર આનંદ મકવાણાની હતી.જે તે ચલાવતો હતો.દ્વારકેશ પાર્ક મેઈન રોડના ખુણે પહોંચતાં પાછળથી લાલ કલરની સ્વીફટ કાર તેની કારની આગળ ઉભી રહી ગઈ હતી.જેમાંથી છ જેટલા શખ્સો ધોકા લઈ ઉતર્યા હતા. જેમણે કારના આગળના કાચ ધોકાના ઘા ઝીંકી ફોડી નાખ્યા બાદ, બારીના કાચ પણ ફોડી નાખ્યા હતા.આ ઘટનામાં 40 હજારનું નુકશાન થયું હતું.
ગભરાઈ જતાં કાર ડ્રીમસિટી વાળા રોડ પરથી શાંતિનગરના ગેઈટ તરફ પાછી વાળી સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં અરજી આપી હતી. જેના આધારે આજે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુનામાં વપરાયેલી સ્વીફટ કાર પોલીસે કબજે કરી હુમલાખોરોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. કયા કારણથી હુમલો કર્યો તે વિશે હુમલાખોરો પકડાયા પછી જ સ્પષ્ટતા થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
