શહેરમાં સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા યુવાને આંબાવાડી વિસ્તારમાં ભીક્ષુક માજીને રૂા.10 આપ્યા હતાં જેથી અજાણ્યા શખ્સોએ માજીને શું આપ્યું ? તેવી પુછપરછ કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોકુલનગર વિસ્તારમાં રહેતાં બલદેવ ભરતભાઈ મેવાડા નામનો 28 વર્ષનો યુવાન સવારના અગિયારેક વાગ્યાના અરસામાં આંબાવાડી પાસે આવેલ રામાપીરના મંદિર નજીક નિત્યક્રમ મુજબ ભીક્ષુક માંગીને 10-20 રૂપિયા આપવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તે ભિક્ષુક માજીને શું આપ્યું ? તેમ કહી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં મુજકામાં રહેતો હર્ષ મહેશભાઈ પારેખ (ઉ.28) પુષ્કરધામ મેઈન રોડ પર હતો ત્યારે યાજ્ઞીક સહિતના શખ્સોએ ઝઘડો કરી પટ્ટા વડે માર માર્યો હતો. જ્યારે ભક્તિનગર સર્કલ પાસે ગાયત્રીનગરમાં રહેતા રમાબેન હરિભાઈ વાળા (ઉ.75) પોતાના ઘરે હતાં ત્યારે રિધ્ધીબેને ઝઘડો કરી ધક્કો મારી પછાડી દીધા હતાં. મારામારીમાં ઘવાયેલા યુવક અને વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
