શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતાં આધેડનું મકાન પચાવી પાડવા ભત્રીજાએ મિત્ર સાથે મળી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નવા થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતાં પરેશભાઈ પુંજાભાઈ મકવાણા (ઉ.50) રાત્રીનાં 11 વાગ્યે પોતાના ઘર પાસે હતા ત્યારે તેના ભત્રીજા તુષાર અને તુષારના મિત્ર હિગુએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં પરેશભાઈ મકવાણાનું મકાન પચાવી પાડવા અગાઉ પણ ભત્રીજાએ ચાર થી પાંચ વખત માર માર્યો હતો અને ફરી મિત્રો સાથે મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ 25 વારીયા કવાર્ટરમાં રહેતાં મનોજભાઈ લાખાભાઈ વારા (ઉ.53)એ મિત્ર સનીને આપેલા રૂપિયા પાંચ હજાર ઉઘરાણી માટે માધાપર ચોકડીએ ગયા હતાં ત્યારે મિત્ર સની અને મમાએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
