રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની…

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહી પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવક સાથે બાઈક અથડાવવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ બે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ઢેબર રોડ પર હરીઓમ સોસાયટીમાં રહેતાં અમરદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.23) અને તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમા (ઉ.22) રાત્રીનાં સાડા બારેક વાગ્યાના અરસામાં કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક પાસે હતા ત્યારે બાદલ સોલંકી અને કેતન દવેરા સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલાખોર ત્રણેય શખ્સો ઘટનાને અંજામ આપી નાસી છુટયા હતાં. ઘટનાને પગલે રાહદારી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને બન્ને યુવકોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં બન્ને યુવકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં અમરદીપસિંહ જાડેજા મુળ લોધિકાના પીપળીયા ગામના વતની છે અને હાલ હરિઓમ સોસાયટીમાં રહી રજપૂતપરા મેઈન રોડ પર આવેલી હરભમસિંહજી ગરાસીયા છાત્રાલયમાં પોલીસ ભરતીની તૈયારી કરે છે. ગઈકાલે અમરદીપસિંહ જાડેજાને એસ્ટ્રોન ચોકમાં બાઈક અથડાવવા મુદ્દે હુમલાખોર શખ્સો સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાના સમાધાન માટે અમરદીપસિંહ જાડેજા અને તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમા કોટેચા ચોક ખાતે ગયા હતાં તે દરમિયાન બાદલ સોલંકી અને કેતન દવેરા સહિતના ત્રણ શખ્સોએ બન્ને યુવાન કંઈ સમજે અને પોતાનો બચાવ કરે તે પહેલા જ છરી વડે તુટી પડયા હતાં.

ખુની હુમલામાં ઘવાયેલા યુવકોના નિવેદન નોંધી માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બન્ને યુવાન ઉપર જીવલેણ હુમલો કરી નાસી છુટેલા બાદલ સોલંકી અને કેતન દવેરાને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતાં. જ્યારે વધુ એક હુમલાખોર શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *