ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે અને જામનગર તથા ભાવનગરમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા બે બાળકોનો ભોગ લીધો છે. જયારે દેવભૂમિ દ્વારકા અને ઉના પંથકમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું છે.
જામનગર
જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતાં અને એક બાળક નું મૃત્યુ નિપજતાં આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. શહેરના ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકાની ટીમોએ સાવચેતીના પગલાં તેજ કર્યા છે
.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ શરૂૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય (રેતી માખી) પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના નાના બાળકોના આરોગ્યની સઘન તપાસ, ઘર-ઘર સર્વે અને સતત મોનીટરીંગ પણ શરૂૂ કરવામાં આવ્યું છે. કોઈ નવા શંકાસ્પદ દર્દી સામે આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મૃત્યુનો સત્તાવાર કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ભાવનગરજિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં રહેતા એક 6 વર્ષીય માસૂમ બાળકનું આ ઘાતક વાયરસના સંક્રમણને કારણે મોત નીપજ્યું હોવાની પુષ્ટિ સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં કરવામાં આવી છે. આ કેસ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા ચાર પર પહોંચી ગઈ છે, જ્યારે અન્ય નવ જેટલા બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે, જેના લીધે સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રને તાકીદની અસરથી હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી કે.એમ. સોલંકીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક બાળક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને તે ગત 6 જુલાઈના રોજ જામનગરથી વલભીપુર તાલુકાના મેલાણા ગામે આવ્યો હતો. ગામમાં આવ્યા બાદ બાળકને અચાનક તીવ્ર તાવ આવવાની સાથે-સાથે ચાલવામાં ભારે તકલીફ થવા લાગી હતી. બાળકની તબિયત બગડતા જ પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે વલભીપુર ખાતે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકની સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અને તબિયત વધુ લથડતા તેને 8 જુલાઈના રોજ ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ, 9 જુલાઈના રોજ ગણતરીના કલાકોમાં આ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકમાં જોવા મળેલા શંકાસ્પદ લક્ષણોને પગલે તબીબોએ તેના બ્લડ સેમ્પલ લઈને તાત્કાલિક ગાંધીનગર ખાતેની સ્ટેટ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે આ સેમ્પલનો લેબ રિપોર્ટ પોઝિટિવ આવતા, બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી જ થયું હોવા પર સત્તાવાર મહોર વાગી છે.
દ્વારકામાં શંકાસ્પદ કેસ
દ્વારકા ખાતે 6 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવવી, ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલીક જામનગર ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જયાં હાલ તેનું તબીબી નિરીક્ષણ અને સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાં 150 થી 200 જેટલા ઘરોમાં નગરપાલીકાના સંયોજનથી સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલા રૂૂપે બાળકના ઘરની આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટીંગ અને પૂછપરછ કરી આરોગ્યની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ઉનામાં પણ શંકાસ્પદ કેસ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામમાંથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગામના 5 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ બાળકને આઇસોલેશન વોર્ડમાં રાખી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, બાળક છેલ્લા બે દિવસથી તાવ, ઉલટી, પેટમાં અસહ્ય દુખાવો અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. પ્રાથમિક સારવાર માટે તેને મહુવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે તબિયત વધુ બગડતાં તેને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
આ અંગે ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દુમાતરે જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય કચેરી તરફથી માહિતી મળતાં જ બાળકના પરિવારનો સંપર્ક શરૂૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમ સોંદરડી ગામે પહોંચી છે.
