શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુદા જુદા બે સ્થળે બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આંબેડકરનગરમાં રહેતા સુરેશ બાબુભાઇ સોલંકી (ઉ.વ.25) અને શાપરમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા સુબોધ લક્ષમીભાઈ પાસવાન (ઉ.વ.28)એ પત્ની સાથે ઝઘડો થતા પોત પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. બંને યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સુરેશ સોલંકી ત્રણ ભાઈમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે સુબોધ પાસવાન મૂળ બિહારનો વતની છે. અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ઉપરાંત અન્ય બનાવમાં કેવડાવાડીમાં રહેતી આશાબેન રઘુભાઈ વાઘેલા નામની 27 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ શ્યામનગરમાં રહેતા બચુભાઈ ભાણજીભાઈ નામના 60 વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળી ફીનાઇલ ગટગટાવી લીધું હતું. યુવતી અને વૃદ્ધને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
