ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર
શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક પાસે જૂની અદાવત અને ગાળો આપવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું.
આ બનાવમાં સામા પક્ષના શખ્સોએ એક પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડાના બેટ વડે હુમલો કરતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો એવી છે કે, ફરિયાદી પ્રવીણભાઈ તેમના મિત્રો અને કુટુંબિક ભાઈ સંજયભાઈ સાથે સ્ટેચ્યુ પાસે ઉભા હતા ત્યારે આરોપી ધર્મેશ જાદવ અને મહેન્દ્ર જાદવે ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. પ્રવીણભાઈએ ગાળો આપવાની ના પાડતા અન્ય આરોપીઓ રોહિત ડાંગર, કૌશલ જાદવ, પ્રદીપ સોલંકી અને હિરેન સોલંકી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો કર્યો હતો.
આ વિવાદ વધતા આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે જઈને હુમલો કર્યો હતો, જેમાં રોહિત ડાંગરે ફરિયાદીના નાના ભાઈ નીતિનને લોખંડના પાઇપ વડે માથામાં ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા નીતિનને સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેને હેમરેજ થયું હોવાનું જાહેર કર્યું છે.
આ હુમલામાં માત્ર નીતિન જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ પહોંચી છે. આરોપી રોહિતે ફરિયાદીની બહેન મિત્તલને પગમાં પાઇપ માર્યો હતો, જ્યારે કૌશલ જાદવે લાકડાના બેટથી ફરિયાદીના પિતા પ્રકાશભાઈને માર માર્યો હતો. હુમલાખોરોએ ઈંટોના કટકા પણ ફેંક્યા હતા, જેના કારણે પરિવારના સભ્યોને મુંઢ ઈજાઓ થઈ હતી.
આ મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(2), 125(એ), 191(2), 191(3), 352, 3(5) અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ચકચારી ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ફરિયાદમાં દર્શાવેલા તમામ છ આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી રોહિત ડાંગર સહિત કૌશલ જાદવ, હિરેન સોલંકી, પ્રદીપ સોલંકી, ધર્મેશ જાદવ અને મહેન્દ્ર જાદવને સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આ તમામ શખ્સોની સઘન પૂછપરછ કરી રહી છે.
