પુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયા

રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી હરીધવા રોડ સ્થિત પુરુષાર્થ સોસાયટીમાંથી એક બાઈકની ચોરી થવાનો…

રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી હરીધવા રોડ સ્થિત પુરુષાર્થ સોસાયટીમાંથી એક બાઈકની ચોરી થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોસાયટીના મકાન નંબર 3 માં રહેતા વિવેકભાઈ જયંતિભાઈ વિરડીયાની ઘર પાસે પાર્ક કરેલી મોટરસાયકલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આ ચોરી પાછળ બે સગીર વયના છોકરાઓ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ, ગત તારીખ 14-06 ના રોજ વહેલી સવારે આશરે 03:25 વાગ્યાની આસપાસ બે સગીર વયના જણાતા છોકરાઓ સોસાયટીમાં આવ્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓએ પહેલાં આજુબાજુની પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરીને પાર્ક કરેલી બાઈકની ચોરી કરી પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે વાહન માલિકને બાઈક ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે તેમણે આસપાસ તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ધોરણે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાહન માલિક દ્વારા પોલીસને અરજીની સાથે સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સોંપવામાં આવ્યા છે, જેમાં શંકાસ્પદ સગીરોની હરકતો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જોકે, ઘટનાના સમયગાળા બાદ પણ પોલીસ હજુ સુધી તે સગીર વયના તસ્કરોને પકડવામાં કે ચોરાયેલી બાઈક શોધી કાઢવામાં સફળ રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *