સ્કૂલેથી છૂટી ઘરે જતી બંને સગીરાને નડ્યો અકસ્માત : નાની બહેનને ઈજા
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં આજીડેમ ચોકડી નજીક સ્કૂલેથી છૂટીને ઘરે જતી બે છાત્રાના સ્કૂટરને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી ધો. 12ની વિદ્યાર્થીનીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામ પાર્કમાં રહેતી અને જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી મધર સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી અનુપ્રીયા ઉર્ફે પ્રિયાંશી પવેન્દ્ર કુમાર સીંગ નામની 17 વર્ષની સગીરા પોતાની નાની બહેન સુપ્રીયાને સ્કૂટર પાછળ બેસાડી સંતકબીર રોડના નાલાથી આજીડેમ ચોકડી તરફ જઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા સ્કૂટર સવાર બન્ને સગીરા ફંગોળાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બન્ને બહેનોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલી અનુપ્રિયા ઉર્ફે પ્રિયાંશી સીંગે સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અનુપ્રીયા ઉર્ફે પ્રિયાંશી સિંગનો પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો વતની છે અને આજીડેમ પાસે શ્રી રામપાર્કમાં રહે છે. મૃતક સગીરા એક ભાઈ બે બહેનમાં મોટી હતી. અનુપ્રીયા ઉર્ફે પ્રિયાંશી જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી મધર સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી હતી. અને ઈજાગ્રસ્ત તેની નાની બહેન સુપ્રીયા ધો. 9 માં અભ્યાસ કરે છે. બન્ને બહેનો સ્કૂલેથી છૂટીને સ્કૂટર લઈ ઘરે પરત ફરી રહી હતી ત્યારે ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જી ટ્રક મુકી નાશી છૂટેલા ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.