શહેરના સદર બજાર પાસે આવેલા હરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતાં ઘવાયેલા બન્ને ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતરાઈ ભાઈને હપ્તે મોબાઈલ લઈ દીધો હોય પરંતુ તે હપ્તા ભરતો ન હોય જેથી યુવાને પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, સદર બજારમાં હરિહર ચોક પાસે રહેતો ઈર્ષાદ ઈમરાનભાઈ શાહમદાર (ઉ.22) અને તેનો ભાઈ નશરફ (ઉ.વ.18) ગત રાત્રે હરિહર ચોકમાં હતાં ત્યારે તેના કાકાના દીકરા સકીલ યાસીન શાહમદાર અને તેની સાથેના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં બન્ને ભાઈ ગંભીર રીતે ઘવાતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ઈર્ષાદ ધ્રોલ રહેતો હોય તેણે તેના પિતરાઈ ભાઈ સકીલને રૂા.46000નો મોબાઈલ હપ્તે લઈ આપ્યો હતો. બાદમાં સકીલ હપ્તા ભરતો ન હોય જેથી ધ્રોલ પોલીસમાં અરજી કરતાં સકીલે મોબાઈલ પરત આપી દીધો હતો. પરંતુ તેણે ઈર્ષાદને ધમકી આપી હતી કે ‘તું રાજકોટ આવીશ ત્યારે જોઈ લઈશ’ બાદમાં ગઈકાલે તે રાજકોટ દીકરીની દવા લેવા માટે આવ્યો હતો. દરમિયાન આરોપીઓએ હુમલો કરી માર માર્યાનું જાણવા મળ્યું છે.
