પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યો

યુનિફોર્મ વગર કોર્ટમાં આવતાં પોલીસ કર્મીઓની જુબાની નહીં લેવા બાર એસો.ઠરાવ રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતાં વકીલોમાં રોષ ભભૂકીયો છે. છેલ્લા…

યુનિફોર્મ વગર કોર્ટમાં આવતાં પોલીસ કર્મીઓની જુબાની નહીં લેવા બાર એસો.ઠરાવ

રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતાં વકીલોમાં રોષ ભભૂકીયો છે. છેલ્લા ચાર માસમાં ત્રણ વકીલો સાથે પોલીસ મથકમાં ગેરવર્તન કરી ખોટા ગુના દાખલ કર્યા હોવાના આક્ષેપ સાથે વકીલો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વકીલો દ્વારા પોલીસના ગેરવર્તન વિરૂધ્ધ કોર્ટમાં સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં બાર એસોસીએશન દ્વારા કોર્ટમાં જુબાની આપવા આવતા પોલીસ કર્મીઓ યુનિફોર્મ વગર નજરે પડે તો જુબાની નહીં લેવા ઠરાવ કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ અને વકીલ વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે.

રાજકોટમાં કાયદાના જાણકારો અને રખેવાળો વચ્ચે અવારનવાર નજીવા પ્રશ્ર્ને તણખા ઝરતાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ વકીલો સાથે પોલીસ મથકમાં ગેરવર્તન કરી ખોટા ગુના દાખલ કરવામાં આવતાં વકીલોમાં રોષ ભભૂકીયો હતો. જે અંગે રાજકોટ બાર એસોસીએશન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી જવાબદાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી. જે અંગે કોઈ યોગ્ય પગલાં નહીં લેવાતાં વકીલો દ્વારા કોર્ટના દ્વારે કાળી રીબીન ધારણ કરી પોલીસ દમન સામે વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસ દમન અને પોલીસ કર્મીઓના ગેરવર્તનના કારણે વકીલો પોલીસકર્મીઓને કાયદાનો પાઠ ભણાવવા મેદાને પડયા હોય તેમ બાર એસોસીએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને જે ઠરાવમાં પોલીસ દડ શિસ્તબધ્ધ ફોર્સ છે. અને જ્યારે તેઓ સાક્ષી તરીકે કે અન્ય કામગીરી માટે કોર્ટમાં આવે છે ત્યારે તેમને પોતાના યુનિફોર્મમાં રહેવું જોઈએ. પરંતુ ઘણીવાર પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં કોર્ટ રૂમમાં પ્રવેશ કરે છે જેના કારણે વકીલો અને ન્યાયધીશો માટે તેમની ઓળખ કરવી મુશ્કેલ બને છે.

રાજકોટની વિવિધ અદાલતોમાં જુબાની આપવા માટે આવતા પોલીસકર્મીઓ અને આરોપીને અટક કરી કોર્ટમાં રજુ કરવા આવતાં પોલીસ જવાનો પોલીસ યુનિફોર્મ વિના આવે તો જુબાની લેવી નહીં તેમજ કોર્ટના પીપી દ્વારા જુબાની રિફર કરવા ફાઈલ આપે પરંતુ ફાઈલ વાચીને જુબાની આપવા દેવી નહીં અને વિટનેશ બોકસમાં પોલીસ કર્મચારી ફાઈલ વગર જે જુબાની આપે તે જ નોંધવા અને પીપીએ તેમના વતી જુબાની લખાવી નહીં તેવો બાર એસોસીએશને ઠરાવ પસાર કરી ડિસ્ટ્રીકટ જજ અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરવા સર્વાનુમતે ઠરાવ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *