પ્રૌઢ અને વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા
રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કાલાવડના આણંદપર ગામે વૃદ્ધા અને ઉનાના ભીમપરામાં પ્રૌઢને આંખલાએ ઢીંકે ચડાવ્યા હતા. વૃદ્ધા અને પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના આણંદપર ગામે રહેતા કંકુબેન માવજીભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધા રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે આખલાએ ઢીંક મારતા ઢળી પડ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં ઉનાના ભીમપરામાં રહેતા રમેશભાઈ ગુલાબભાઇ સોલંકી નામના 45 વર્ષના પ્રૌઢ પાંચ દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં ચાલીને જતા હતા ત્યારે આખલાએ ઢીંક મારી હતી પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ઉના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.