ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહી

શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી શહેરના રીઢા ગુનેગારો અને માદક પદાર્થના વેપાર સાથે સંકળાયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.ત્રણેયને રાજયની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના વેપારને ડામવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર સાગર ચોક પાસે રહેતા ઇમરાન ઇકબાલભાઇ બેલીમ (ઉં.વ. 32) નામના શખ્સને PIT NDPS એક્ટ હેઠળ ડિટેઈન કરવામાં આવ્યો છે. ઇમરાન અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(બી) મુજબના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. યુવાધનને નશાની બદીથી દૂર રાખવા અને રાષ્ટ્રની સામાજિક સુખાકારી જાળવવા માટે પોલીસ કમિશનરની દરખાસ્ત બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં SOG ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી છે.

ઉપરાંત ચૂંટણી આચારસંહિતાની કડક અમલવારીના ભાગરૂૂપે પીસીબી દ્વારા ઇંગ્લિશ દારૂૂના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મનીષ ગીરીશભાઇ પાંઉ જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તેના વિરુદ્ધ પ્રોહિબિશન, લૂંટ વિશ્વાસઘાત અને છેતરપિંડી જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ 2019માં પણ તેની પાસા હેઠળ અટકાયત થઈ હતી અને તેને 2 વર્ષ માટે હદપાર પણ કરવામાં આવ્યો હતો. હાલ તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. તેમજ સદગુરુ પાર્કમાં રહેતા જય મુકેશભાઇ વાઢેર નામના શખ્સ વિરુદ્ધ ગાંધીગ્રામ અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂૂના વેચાણ અંગેના ગુનાઓ નોંધાયેલા છે. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

પી.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા અને તેમની ટીમે આ ગુનેગારોની દરખાસ્ત તૈયાર કરી હતી. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી ચૂંટણીઓ ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે દિશામાં મજબૂત પગલું ભરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *