સાયબર ક્રાઇમથી મેળવેલી રકમની હેરફેર માટે બેંક ખાતાઓ ભાડે આપી કમીશન ખાનારાઓ વિરૂૂધ્ધ ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વધુ એક ગુનો શહેર સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો છે. છેતરપિંડીથી મેળવેલા નાણાંના ટ્રાન્ઝેક્શન કરવા બદલ બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા મળેલી શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતોના આધારે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન કેનેરા બેંકના એકાઉન્ટ નંબરમાં ટૂંકા ગાળામાં મોટા વ્યવહારો થતા હોવાનું જણાઈ આવ્યું હતું.
તપાસ કરતા માલુમ પડયું કે આ ખાતામાં એપ્રિલ અને મે 2025 દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી ફ્રોડ થયેલા કુલ 5,00,000 જમા થયા હતા. પોલીસે જ્યારે ખાતાધારક આસિતકુમાર જીવણલાલ ત્રિવેદી (રહે. શિવશક્તિ કોલોની, રાજકોટ)ની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેના મિત્ર અમૃત અશોકભાઈ રાવલે તેને લાલચ આપી હતી કે તમારા ખાતામાં ફ્રોડના રૂૂપિયા 2.50 લાખ જેવી રકમ આવશે, જે ઉપાડીને આપવા બદલ તમને 10,000 કમિશન મળશે.
આસિતકુમારે પોતાની સંમતિ આપતા તેના ખાતામાં નાણાં જમા થયા હતા, જે તેણે ચેક દ્વારા ઉપાડીને અમૃત રાવલને સોંપી દીધા હતા. જો કે નક્કી થયા મુજબ 10 હજારના બદલે તેને માત્ર 5,000 રોકડા મળ્યા હતા. આ નાણાં ચોરીના અથવા ઠગાઈના હોવાનું જાણવા છતાં આર્થિક લાભ મેળવવા માટે આ વ્યવહાર કરવામાં આવ્યો હતો. શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુધિરકુમાર સુતરીયાએ આ મામલે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે. સાયબર પોલીસે અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા કે પરિચિત વ્યક્તિને કમિશનની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપવું નહીં, અન્યથા આપ પણ ગુનાના ભાગીદાર બની શકો છો.
