વીંછિયા તાલુકાના અજમેર ગામે રહેતા બે કુટુંબિક ભાઈઓ ચાલીને ચોટીલા પૂનમ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે ચોટીલાના લાખણકા ગામ પાસે પહોંચતા રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલાકે બંને પદયાત્રી યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા મનહર ચોથાભાઈ સોસા (ઉ.વ.37) અને તેનો કૌટુંબિક ભાઈ સુરેશ વાલજીભાઈ સોસા (ઉ.વ.20) ચાલીને ચોટીલા પૂનમ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે બંને યુવાન રાત્રીના બારેક વાગ્યા અરસામાં ચોટીલાના લાખણકા ગામ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે બંને પદયાત્રી કુટુંબીક ભાઈઓને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મનહરભાઈ સોસાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનહરભાઈ સોસા ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે મનહરભાઈ તેના કુટુંબીક ભાઈ સુરેશ સોસા સાથે ચોટીલા પૂનમ ભરવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે બંને પદયાત્રીને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
