ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાઈ સીમાડે સીમા સુરક્ષા દળ એટલે કે BSF સતત બાજ નજર રાખી રહ્યું છે. BSF જવાનોએ સંવેદનશીલ દરિયાઈ સરહદે ફરી એકવાર સીમાપારનું મોટું ષડયંત્ર નિષ્ફળ બન્યું છે. કોટેશ્વર નજીક પડાલા ક્રીકમાં સર્ચ ઓપરેશન દરમિયાન BSFના જવાનોએ 2 પાકિસ્તાની બોટ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલા શખ્સો પાસેથી 3 મોબાઈલ અને 4 પાકિસ્તાની ઓળખપત્રો મળી આવ્યા છે. આ ઘૂસણખોરી માત્ર માછીમારી હતી કે કોઈ જાસૂસી કાવતરું, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂૂ કરી છે.
કોટેશ્વર નજીક આવેલા પડાલા ક્રીક વિસ્તારમાં BSFના વોટર પેટ્રોલિંગ દરમિયાન જવાનોને પાણીમાં શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. સતર્ક જવાનોએ તરત જ બોટનો પીછો કર્યો હતો. જવાનોએ ઘેરાબંધી કરીને ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘૂસી આવેલી વધુ 2 પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં બોટ પર સવાર 1 પુખ્ત પાકિસ્તાની નાગરિક તેમજ 1 સગીરને ઝડપી લેવામાં આવ્યા છે.
પકડાયેલા બંને શખ્સો કયા હેતુથી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા તે અંગે સુરક્ષા દળોએ કડક પૂછપરછ શરૂૂ કરી દીધી છે.ઝડપાયેલા શખ્સો અને બોટની તપાસ દરમિયાન તેમની પાસેથી 3 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા 4 શંકાસ્પદ ઓળખપત્રો પણ જવાનોએ જપ્ત કર્યા છે. માત્ર 2 વ્યક્તિઓ હોવા છતાં 4 ઓળખપત્રો મળી આવતાં સુરક્ષા એજન્સીઓની શંકા વધુ ઘેરી બની છે. તેમના મોબાઈલ ફોનમાંથી કોઈ સંવેદનશીલ ડેટા, સીમાવર્તી ફોટોગ્રાફ્સ કે પાકિસ્તાની સંપર્કો છે કે નહીં, તે અંગે માહિતી મેળવવા માટે ફોરેન્સિક તપાસ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ સમગ્ર બનાવ અંગે BSFના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક નારાયણ સરોવર પોલીસ મથકને તાકીદે જાણ કરી છે. પકડાયેલા બંને શખ્સોને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘૂસણખોરીના પગલે કોસ્ટ ગાર્ડ, મરીન ટાસ્ક ફોર્સ અને નેવી સહિતની તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સમગ્ર ક્રીક અને દરિયાઈ પટ્ટી પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી અન્ય કોઈ શંકાસ્પદ બોટ ભારતીય સીમામાં પ્રવેશી ન શકે.
