ધર્મ, આસ્થા અને ઉલ્લાસના વિજયાદશમીના પાવન પર્વે શુભકાર્ય કરવાની ભારતીય પરંપરા અંતર્ગત નવું વાહન ખરીદવાનો એક અનોખો ઉત્સાહ અને ક્રેઝ જોવા મળે છે. આ શુભ મુહૂર્તમાં નવું વાહન ઘરે લાવવું અત્યંત મંગળ માનવામાં આવતું હોવાથી આજે રાજકોટના ઓટોમોબાઈલ માર્કેટમાં રોનક જોવા મળી હતી. શહેરના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ગુડ્ઝ (કોમર્શિયલ) વ્હીકલના તમામ નાના-મોટા શો-રૂૂમ સવારથી જ ગ્રાહકોની ભારે ભીડથી ધમધમી ઉઠ્યા હતા. મહાનગર પાલિકાની ટેક્સી બ્રાન્ચમાંથી જ મળેલી સતાવાર માહિતી મુજબ આજે એક જ દિવસમાં 1200થી વધુ વાહનોની ડિલીવરી થવાનો અંદાજ છે. આશરે 600 કરોડથી વધુ કિંમતના વાહનોની ડિલીવરી આજે એક જ દિવસમાં થવાની છે. નવરાત્રીના નવ દિવસમાં 1100 કરોડથી વધુ કિંમતના વાહનોની ખરીદી થઇ હોવાનો સત્તાવાર આંકડો મનપાની ટેકસ બ્રાન્ચમાંથી જાણવા મળ્યો છે.
દશેરાના શુભ દિવસે વાહન ડિલિવરી લેવા માટે ગ્રાહકોએ અગાઉથી જ મોટી સંખ્યામાં બુકિંગ કરાવી રાખ્યું હતું. આજે સવાર પડતાં જ અગાઉથી બુકિંગ કરાવનારા ગ્રાહકો પરિવાર સાથે પૂજા-અર્ચનાનો સામાન લઈને પોતાના ડ્રીમ વ્હીકલની ડિલિવરી લેવા માટે શો-રૂૂમ પર પહોંચી ગયા હતા. શો-રૂૂમ માલિકો અને સ્ટાફ દ્વારા પણ ગ્રાહકોનું કુમકુમ તિલક, ચાંદલો અને મીઠાઈ ખવડાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અગાઉથી થયેલા એડવાન્સ બુકિંગના આંકડા અને શો-રૂૂમના અંદાજ મુજબ, દશેરાના આ એક જ પાવન દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર, લક્ઝુરિયસ ફોર-વ્હીલર તેમજ માલવાહક ગુડ્ઝ વ્હીકલ મળીને કુલ 1200થી વધુ વાહનોની ડિલિવરી થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. જોકે, એક જ દિવસમાં કુલ કેટલા વાહનો રસ્તા પર ઉતર્યા અને તેનું શો-રૂૂમ વાઈઝ વેચાણ કેટલું રહ્યું, તેનો સત્તાવાર અને ચોક્કસ આંકડો આર.ટી.ઓ. (RTO) તથા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવશે. આગામી દિવાળીના તહેવારો સુધી માર્કેટમાં આ ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહેશે તેવી ઓટોમોબાઈલ વેપારીઓ આશા રાખી રહ્યા છે. એકંદરે, દશેરાના આ શુભ પર્વે રાજકોટના વાહન બજારમાં નવો પ્રાણ પૂરી દીધો છે.
