વેરાવળ શહેરના રામ ભરોસા ચોક વિસ્તારમાંથી એસ ઓ જી ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો મદરેસામાં ચંદા માટે ગુજરાત આવ્યા હોવાનું જણાવ્યું હતું અને બંને યુવકો ને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.કાગડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલા યુવકોમાં અનીસ ઉલ રેહમાન ઉ.વ.21 અને મોહમદ અસલમ ઉ.વ.39 બંને જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસામાં શિક્ષક તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને યુવકોએ જણાવ્યું હતું કે તેઓ ગત તા.01/12/2025 ના રોજ કાશ્મીર થી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જુનાગઢ, જેતપુર અને માંગરોળ સહિતના શહેરોમાં મદરેસામાં ચંદા ઉઘરાવ્યા હતા. બે દિવસ માંગરોળમાં રોકાયા બાદ આજરોજ સવારે એસ.ટી. બસ મારફતે વેરાવળ પહોંચ્યા હતા.
પોલીસ સમક્ષ બંને યુવકોએ સ્કેનર મારફતે ચંદો ઉઘરાવી જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસા ના એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવતા હોવાની કબૂલાત આપી હતી. એસ ઓ જી પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે બંને યુવકો ના સરનામા અને પૃષ્ઠભૂમિ અંગે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવેલ અને તપાસમાં હાલના તબક્કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી ન હોવાનું સ્પષ્ટ થતાં બંને યુવકો ને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે સાવચેતીના ભાગરૂૂપે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
