રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના હાર્ટ બેસી ગયા છે. જેમાં રસુલપરાના પ્રોઢ અને પાંજરાપોળના આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રસુલપરામાં આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા સમજુબેન જગદીશભાઈ નારોલા નામના 53 વર્ષના પ્રોઢાને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી સમજુબેન નારોલાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પ્રોઢાને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં પાંજરાપોળમાં રહેતા ધર્મેશભાઈ મોહનભાઈ ગોહેલ નામના 57 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સવારના અગિયારેક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આધેડે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ ગોહેલ ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
