જેતપુરની રજુવાડું હોટલમાં પૈસાની લેતી-દેતીના જૂના વિવાદમાં હોટલમાં ઘુસી તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હોટલ સંચાલિકા મહિલાએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં રહેતી સલમાબેન ઉર્ફે શીલાબેન હર્ષભાઇ ગાલોરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જયદેવભાઇ દેવમુરારી (રહે. સાવરકુંડલા) અને મયુરભાઇ લસ્કરી (રહે. મંડલીકપુર) નું નામ આપ્યું છે. ફરિયામાં જણાવ્યા મુજબ સલમા અને તેનો પતિ હર્ષ જેતપુરમાં એમ.જી. રોડ પર પોસ્ટ ઓફિસની પાછળ ’રજવાડુ હોટલ’ ચલાવે છે. ગત તારીખ 26/04/2026 ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે સલમાનો પતિ હર્ષભાઇને આરોપીઓ સાથે પૈસાની લેતી-દેતી હતી. આ બાબતે અગાઉ રસ્તામાં બોલાચાલી થયા બાદ, જ્યારે તેમના પતિ હોટલ પર હાજર નહોતા, ત્યારે આરોપીઓ જયદેવભાઇ દેવમુરારી (રહે. સાવરકુંડલા) અને મયુરભાઇ લસ્કરી (રહે. મંડલીકપુર) રિક્ષા લઈને હોટલ પર ધસી આવ્યા હતા. હોટલ પર આવીને સલમા અને તેની પુત્રી રૂૂક્સારબેન પાસે હર્ષભાઇની પૂછપરછ કરી ગાળાગાળી શરૂૂ કરી હતી.
જ્યારે ફરિયાદી તેમને સમજાવવા ગયા, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હોટલમાં રહેલા ટેબલ-ખુરશીઓ રોડ પર ફેંકી દીધા હતા. વધુમાં, હોટલના કાઉન્ટરને ધક્કો મારી નીચે પાડી દેતા કાઉન્ટર અને તેના પરનો કાચ તૂટી ગયો હતો. આ તોડફોડના કારણે આશરે રૂૂ. 22,000 નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લોકો ભેગા થઈ જતા બંને આરોપીઓ પોતાની પીળા અને લીલા કલરની હૂડવાળી ઓટો રિક્ષા લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ મામલે જેતપુર સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 296(બી), 324(4) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એન.ડી.ડાંગર ચલાવી રહ્યા છે.
આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
