રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ
રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં કુંગશિયા બંધુને આજીવન જેલ અને ચારનો નિર્દોષ છૂટકારો
રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભરત કુંગશીયા આણી ટોળકી વિરુદ્ધ જુદા જુદા બે પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં અદાલતે કુખ્યાત ભરત કુંગશીયા સહિત ત્રણ શખ્સને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂૂ.ર.પ0 લાખનો દંડ ફટકાર્યો છે. જયારે એક આરોપી શંકાનો લાભ અને ત્રણને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમા રહેતા ફરીયાદી પ્રવિણભાઇ લુણાગરીયા તા. 11-11-2013 ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇને વાડીએ જઇ રહયા હતા ત્યારે સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર પહોંચતા કુખ્યાત ભરત રઘુભાઇ કુંગશીયા, ગંભીર નાગદાનભાઇ ડાંગર અને રામ દેવશીભાઇ પીઠીયા સહીતના સાત શખ્સોએ ર્સ્કોપીયો કારમા હથીયાર સાથે ધસી આવ્યા હતા અને પ્રવીણભાઇ લુણાગરીયાના બાઇકને ઠોકરે ચડાવી પછાડી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે ઇજાગ્રસ્ત પ્રવીણભાઇ લુણાગરીયાએ હુમલાખોર શખ્સો વિરૂૂધ્ધ પ્રનગર પોલીસ મથકમા હત્યાની કોશિષનો ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામા પોલીસે કુખ્યાત ભરત કુંગશીયા, ગંભીર ડાંગર અને રામ પીઠીયાની ધરપકડ કરી હતી. જયારે અન્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
જ્યારે બીજા બનાવમાં પોપટ પરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ વિરજીભાઈ કાકડીયા મોરબી રોડ ઉપર આવેલ માધાપર ચોકડી પાસે બેઠા હતા ત્યારે જમીન મુદ્દે ચાલતી અદાવતનો ખાસ રાખી ભરત રઘુભાઈ કુંગશીયા, તેનો ભાઈ ભાવેશ રઘુભાઈ કુંગશીયા, જગદીશ દેવાયતભાઈ કુંગશીયા, મહાવીર ઉર્ફે લાલો ચંદુભાઈ જાડેજા, જયંતિ વાઘજી જીંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયાએ જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા કલ્પેશભાઈ કાકડિયાએ હુમલાખોર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
કુખ્યાત ભરત કુંગશીયા આણી ટોળકી વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિશના બે ગુનામાં તપાસ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ બાદ બંને કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજુઆત બાદ સરકારી વકીલ અને મુળ ફરીયાદીના વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો અને રજુ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ સેસન્સ જજ વી. કે. ભટ્ટે હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ભરત કુંગશીયા, તેના ભાઈ ભાવેશ કુંગશીયા અને ગંભીર ડાંગરને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂૂ.ર.પ0 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જયારે રામ પીઠીયાને શંકાનો લાભ અને જગદીશ દેવાયતભાઈ કુંગશીયા, મહાવીર ઉર્ફે લાલો ચંદુભાઈ જાડેજા, જયંતિ વાઘજી જીંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયાને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
ઉપરોક્ત બંને કેસમા ફરીયાદી વતી એડવોકેટ અર્જુનભાઇ પટેલ અને મુકેશભાઇ કેસરીયા તેમજ સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા અને પરાગભાઇ એન. શાહ રોકાયા હતા.
