લોન્ડ્રી ચલાવતા યુવકે 8 મહિના પહેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કર્યા’તા
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને લોન્ડ્રીની દુકાન ધરાવતાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાને આઠ મહિના પહેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કર્યા હોય જે આરોપીને સારુ ન લાગતાં તેણે મિત્ર સાથે મળી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં રહેતો અને વેકરીયા ચોક પાસે સોમનાથ લોન્ડ્રી નામની દુકાન ધરાવતાં અમીત મુળજીભાઈ ચુડાસમા (ઉ.40) નામનો યુવાન આજે બપોરે પોતાની દુકાને હતો ત્યારે હિમાંશુ વાઘેલા અને તેનો મિત્ર પાજી દુકાને ધસી આવ્યા હતાં અને છરી લડે હુમલો કરી છાતી અને ખંભાના ભાગે છરીના ભાગ ઝીંકી દેતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અમીત બે ભાઈમાં નાનો છે તેણે આઠ મહિના પહેલા આરોપી હિમાંશુની માતા ચંદ્રીકાબેન વાઘેલા જે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં હોય તેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં. જે હિમાંશુને સારુ ન લાગતાં તેણે મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી દીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
