કોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયા

શહેરમાં યુવાધનને નશાના રવાળે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર સકંજો કસવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ મિશન “SAY NO TO DRUGS” ચલાવવામાં…

શહેરમાં યુવાધનને નશાના રવાળે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર સકંજો કસવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ મિશન “SAY NO TO DRUGS” ચલાવવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે 2.588 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે બિહારીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ,આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલના માર્ગદર્શન અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોહિલની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા.આ દરમિયાન એ.એસ.આઇ. રવિભાઇ વાંક, પિયુષભાઇ ચિરોડીયા, મનીષભાઇ ચિરોડીયાને એક સંયુક્ત અને ચોક્કસ હકીકત મળી હતી કે કેટલાક ઇસમો માદક પદાર્થ સાથે પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને રાજકોટ કોઠારીયા ગામ પાણીના ટાંકાથી આગળ સોલવન્ટ ફાટક તરફ જવાના રસ્તે, મહાદેવ ફેરો કાસ્ટ કારખાના સામે જાહેર રોડ પરથી બે શખ્સોને આંતર્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેના કારણે પોલીસે બંનેની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓ મૂળ બિહારના વતની છે અને હાલમાં મોરબી જિલ્લામાં રહીને મજૂરી કામ કરે છે. પકડાયેલા આરોપીઓમાં 26 વર્ષીય રવિકુમાર મંગલ સીંગ (રહે. તેરઠ, પોસ્ટ અકોલી ગોલા તેતરાટ, રોહતાસ, બિહાર; હાલ રહે. ઊંચી માંડલ, મોરબી) અને 30 વર્ષીય રાહુલકુમાર નંદજીપ્રસાદ (રહે. વોર્ડ નં.13, શિવ મંદિરની બાજુમાં, ભાનસ, બૈલવૈયા, રોહતાસ, બિહાર; હાલ રહે. ઊંચી માંડલ, મોરબી) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મોરબીથી રાજકોટમાં આ માદક પદાર્થનો જથ્થો સપ્લાય કરવા અથવા વેચવા આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આજીડેમ પોલીસ દ્વારા આ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,50,400 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે રૂપિયા 1,29,400 ની કિંમતનો 2.588 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, રૂપિયા 20,000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન, રૂપિયા 1,000 ની રોકડ રકમ સામેલ છે.આ સમગ્ર સફળ ઓપરેશનમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એન.પટેલ, પીએસઆઈ એસ.વી.ગોહિલ અને એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઇ સાવલિયા સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *