શહેરના રેસકોર્સ નજીક બે અલગ અલગ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી ની ટીમે બે અલગ-અલગ દરોડા પાડી ફૂટબોલ અને ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કપડા વેપારી સહીત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.પી. ઝાલાની ટીમના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ અને અમિત ટૂંડિયાને ચોક્કસ બાતમી મળી હતી કે રેસકોર્સ રિંગરોડ પર પોલીસ ક્વાર્ટરના ગેટની સામેથી મોબાઈલમાં ’વિન બિઝ’ નામની એપમાં આઈડી મારફતે ઓનલાઈન ફૂટબોલ મેચ પર સટ્ટો રમતો કપડાની દુકાન ધરાવતો પરાગ દિલીપ કાનાણી (ઉંમર 39, રહે. ધરમ નગર શેરી નં. 1, રામાપીર ચોકડીથી આગળ, 150 ફૂટ રિંગ રોડ)ને ઝડપી લીધો હતો. તેની ધરપકડ કરી આઈડી કયા બુકી પાસેથી મેળવી હતી તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.
બીજા દરોડામાં, પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલીયાની ટીમના એએસઆઈ સંતોષભાઈ મોરી અને કોન્સ્ટેબલ દેવરાજભાઈ ક્ળોતરાએ બાતમીને આધારે રેસકોર્સ રિંગરોડ પર બહુમાળી ભવન પાછળ શક્તિ ટી સ્ટોલ સામેની શેરીમાં ’ઓલ પેનલ 777’ નામની આઈડીમાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર 2026 હેઠળ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા (રહે. પેસિફિક સ્ટાર એપાર્ટમેન્ટ, ભારત પેટ્રોલ પંપની સામે, રેલનગર મેઈન રોડ; મૂળ રહે. ઢાંક)ને ઝડપી લઇ મુખ્ય બુકી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
