દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર શનિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેમુદ જાફર લુચાણી (ઉ.વ.35)અને તેમના ભાઈની સાળી નસિમાબેન સુલેમાન પટેલીયા, શનિવારે બપોરના સમયે જી.જે. 10 બી. ક્યુ. 3884 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર બેસીને બાઇક પર કામ અર્થે સિક્કા જઈ રહ્યા હતા.
ત્યારે દ્વારકા લીંબડી હાઇવે પર ચરકલા પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલા જી.જે. 11 ડબલ્યુ 3600 નંબરના એક ટેન્કરના ચાલકે મહેમુદભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા મહેમુદભાઈ તથા તેમના ભાઈના સાળી નસીમાબેનના ઘટનાસ્થળે જ બંનેના કરુણ મોત થયા હતા.અકસ્માતની જાણ થતાં દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવ અંગે દ્વારકા પોલીસે મૃતકના મોટાભાઈ કાબીલભાઈ જાફરભાઈ લુચાણી (ઉ.વ. 40, રહે. રૂૂપેણબંદર) ની ફરિયાદ પરથી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
