વરસાદમાં કડિયા કામનો સામાન તણાઈ જતા મજૂર પરિવાર આર્થિક ભીંસમાં આવતા દાગીના ગીરવે મુકી રૂપિયા લીધા હતાં
ગોંડલના એક મજુરને રૂૂપિયાની જરૂૂર પડતા સોની વેપારી પાસે દાગીના ગીરવે મુક્યા હતા ગીરવે મૂકેલા દાગીના હડપ કરી ભત્રીજો ફરાર થઇ ગયો હતો જેમાં સમાધાનના બહાને કાકાએ પણ મજુર સાથે છેતરપીંડી કરતા સોની વેપારી અને તેના કાકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ ગોંડલના ધુડસીયા ગામે રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઇ રમેશભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વરસાદને કારણે તેના કડીયાકામનો સમાન પાણીમાં તણાઈ જતા આર્થિકભીસ આવતા તેણે માર્ચ 2025માં ધંધા માટે નાણાંની જરૂૂર પડતા ગોંડલની મોટી બજારમાં આવેલ ’જડીયા એન્ડ સન્સ’ નામની દુકાને સોની તેજશભાઇ કીશોરભાઇ જડીયા પાસે સોનાની ત્રણ વીંટી ગીરવે મૂકી રૂૂ. 55,000 મેળવ્યા હતા.
ત્યારબાદ ઓગસ્ટ 2025માં ઘરના અન્ય દાગીના (હાર અને બુટી) ગીરવે મૂકી વધુ નાણાંની વ્યવસ્થા કરી હતી. બીજી વખત દાગીના ગીરવે મૂક્યા ત્યારે તેજશભાઇએ સંજયભાઇને રૂૂ. 70,000 રોકડા અને બાકીના રૂૂ. 1 લાખનો ચેક આપ્યો હતો. જોકે, બેંકમાં ચેક નાખતા તે રિટર્ન થયો હતો. સંજયભાઇએ વારંવાર ઉઘરાણી કરતા તેજશભાઇએ તેમનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો અને બાદમાં પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
સંજયભાઇ જ્યારે દુકાને તપાસ કરવા ગયા ત્યારે તેજશભાઇના મોટા બાપુ (કાકા) નિલેષભાઇ શાંતિભાઇ જડીયાએ પોલીસ ફરિયાદ ન કરવા સમજાવ્યા હતા. નિલેષભાઇએ સોગંદનામું કરી આપ્યું હતું કે જાન્યુઆરી 2026 સુધીમાં તેઓ નવો હાર અને બુટી બનાવી આપશે. જોકે, નક્કી કરેલી મુદત પૂરી થતા નિલેષભાઇએ પણ હાથ ઊંચા કરી દીધા હતા અને “તમારાથી થાય તે કરી લો” કહી ધમકાવી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોતાની મહેનતની કમાણીના દાગીના અને નાણાં બંને ગુમાવનાર સંજયભાઇએ અંતે આ બંને શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
