વર્તમાન સમયમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. પરંતુ, આ સિક્કાની બીજી બાજુ અત્યંત ડરામણી અને ચિંતાજનક છે. પડધરી તાલુકાના મોવૈયા ગામમાં બનેલી હૃદયકંપાવી દેનારી ઘટના આ બાબતનો જીવતો જાગતો પુરાવો છે. જ્યાં બે સગા ભાઈઓ દ્વારા બે માસૂમ સગીરાઓને પોતાની હવસ અને હેરાનગતિનો શિકાર બનાવવામાં આવી, તે ઘટનાએ માત્ર કાયદો અને વ્યવસ્થા પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજની નૈતિકતા પર પણ એક મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો છે. આ ઘટના દર્શાવે છે કે વિકૃત માનસિકતા ધરાવતા તત્વો હવે આપણા ઘરઆંગણે અને ડિજિટલ માધ્યમો દ્વારા બાળકોના માસૂમ બાળપણને રોંધી રહ્યા છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ વગેરે સગીર વયના બાળકો માટે હેરાનગતિનું એક મોટું હથિયાર બની રહ્યા છે. અજાણ્યા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા કેળવવામાં આવે છે, ત્યારબાદ મીઠા-મીઠા સંવાદોથી શરૂૂ થયેલી વાત ધીમે-ધીમે દબાણ, ધમકી અને માનસિક ત્રાસમાં પરિવર્તિત થઈ જાય છે. મોવૈયા ગામની ઘટનામાં પણ એક 14 વર્ષની બાળાને સોશિયલ મીડિયા મારફતે સતત હેરાન કરી, તેનો પીછો કરી અને ધમકીઓ આપીને માનસિક રીતે પાયમાલ કરવામાં આવી હતી. સગીર બાળકો આવા ઓનલાઇન દબાણોનો સામનો કરવા માટે માનસિક રીતે પરિપક્વ હોતા નથી, જેના કારણે તેઓ ભયભીત થઈને ગુમસુમ રહેવા લાગે છે અને તેમની આખી જિંદગી પર તેની ઘેરી નકારાત્મક અસર પડે છે.
પડધરી તાલુકામાં રહેતા એક પરિવારની 12 વર્ષની દીકરીના પિતાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી (ઉ.વ.27)નુ નામ આપ્યું છે. ફરિયાદ મુજબ, આરોપીએ એકાદ માસ પૂર્વ બાળાને લલચાવી-આરોપીએ એકાદ માસ ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ બાળકી ગભરાયેલી અને માનસિક રીતે અસ્વસ્થ રહેતી હતી. આખરે દીકરીએ કાલી ઘેલી ભાષામાં પોતાની આપવીતી પિતાને જણાવી હતી. માસૂમ દીકરીના મોઢેથી આ વાત સાંભળતા જ પરિવાર પર આભ ફાટી પડયું હતું. પિતાએ તરત જ પડધરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી પરાગ રાઠોડ વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, આ જ પરિવારના બીજા ભાઈ ધવલ લલિત રાઠોડ (ઉ.વ.25) સામે પણ એક અલગ ફરિયાદ નોંધાઈ છે. પડધરીની એક 35 વર્ષીય મહિલાએ પોતાની 14 વર્ષની દીકરીને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરાતા નોંધાવી જણાવ્યું કે છેલ્લા કેટલાક તેમના દીકરી ગુમસુમ રહેતી હતી અને પરિવાર સાથે ઓછું બોલતી હતી. દીકરીના વર્તનમાં બદલાવ આવતાં માતાએ વધુ પૂછપરછ કરી હતી. ત્યારે દીકરીએ જણાવ્યું હતું કે, એક યુવક સ્નેપચેટ મારફતે સતત મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. શરૂૂઆતમાં સામાન્ય મેસેજથી શરૂૂ થયેલી હેરાનગતિ બાદ આરોપી બાળાનો પીછો કરવા લાગ્યો હતો અને અલગ અલગ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. બાળાએ આરોપીને અવગણવાનો પ્રયાસ કર્યો છતાં તે સતત મેસેજ, દબાણ અને ધમકીભર્યું વર્તન કરતો હોવાનું સામે આવ્યું હતું. આ કારણે બાળા માનસિક રીતે પરેશાન રહેતી હતી. માતાએ સમગ્ર મામલે પડધરી પોલીસ મથકમાં પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધવલ રાઠોડ વિરુદ્ધ પણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
