ગોંડલ શહેરના વ્યસ્ત બસસ્ટેન્ડ અને અમુલ ડેરી નજીક મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક યુવકની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોવિયા રોડ પર આવેલા ગેસ પંપ પરથી નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા નિકુંજભાઈ જ્યેન્દ્રભાઈ ચાવડા (ઉં.વ. 33, રહે. યોગીનગર, ગોંડલ) અને સતીષભાઈ સુનિલભાઈ સરવૈયા (ઉં.વ. 22, રહે. શિવરાજગઢ) એક્ટિવા (GJ-03-FS-3733) પર બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલા કૈલાશભાઈ પર્વતભાઈ સોલંકી (ઉં.વ. 22, રહે. જામવાડી) તેમની હોન્ડા મોટરસાઇકલ (GJ-03-LC-3774) પર સવાર હતા, જેમની સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માત એટલો ભયાવહ હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી થમ્સ અપની એક નાની બોટલ મળી આવી હતી, જેમાં લાલ રંગનું શંકાસ્પદ પ્રવાહી જોવા મળ્યું હતું, જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
ઈજાગ્રસ્તો પૈકી નિકુંજભાઈ ચાવડાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
