ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગ્યે મૌલાના સહિત 4 લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. વેરાવળમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ હુમલામાં જાવેદના ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ફારૂૂક મૌલાના તેનો પુત્ર, ડ્રાઇવર સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર મામલે પી.આઈ. જે.એન.ગઢવીએ જણાવ્યું કે, વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં સાજીદ હારુનભાઈ વલીભાઈ હાલા તુર્ક દ્વારા એક ફરિયાદ આપી છે. ફરિયાદની વિગત એવી છે કે તેમના સંબંધી જાવિદભાઈ, સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ આગળ ભેગા થયા હતા. તે દરમિયાન, આ ગુનાના કુલ ચાર આરોપીઓ ફારુક મૌલાના, જાવેદ મૌલાના, ફારુક મોલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મોલાનાનો મિત્ર કાલીયો બાલિ આ ચારેય જણાએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરી હતી. તેના અનુસંધાને આ ફારુક મોલાનાએ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું, જેમાં ભોગ બનનાર જાવિદભાઈ ઉર્ફે જાવેદના માથાના ભાગમાં ગોળી વાગી હતી.
પોલીસે સૌપ્રથમ જ્યારે ગુનો રજીસ્ટર કર્યો ત્યારે ’હત્યાની કોશિશ’ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સારવાર દરમિયાન આ જાવીદનું મૃત્યુ થયું છે, એટલે હવે આ કેસમાં હત્યાની કલમ (IPC 302/હત્યાનો ગુનો) ઉમેરવાની પ્રોસિજર કરવામાં આવી છે.પ્રાથમિક વિગત મુજબ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ગોળી માથાના ભાગમાં વાગી છે. હાલમાં તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરવા માટે અમારી 4 થી 5 ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (SP) સાહેબે પોતે ટીમની રચના કરી છે અને DYSP સાહેબો પણ આ ટીમમાં જોડાયા છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોકલ પોલીસ, ડિવિઝનની પોલીસ તેમજ કઈઇ અને SOG સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે, ઘટનાની ગંભીરતાને જોઈનેLCB, SOG અને વેરાવળ D સ્ટાફ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલ લો એન્ડ ઓર્ડર (કાયદો અને વ્યવસ્થા)ની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.બીજી તરફ, હોસ્પિટલમાં અન્ય એક પક્ષ દ્વારા પણ સમાન પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે, જેથી આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે અલગ, તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પોલીસ વડાએ આશા વ્યક્ત કરી છે કે આ કેસનો ભેદ ટૂંક સમયમાં જ ઉકેલી લેવામાં આવશે અને આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
