અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખોલવા માટે ઈરાનને ફરી અલ્ટિમેટમ અને સાથે: સાથે સાથે લુખ્ખી દાટી પણ આપી દીધી. ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપતાં ધમકી આપી છે કે, ઈરાન નહીં માને તો તબાહ કરી દઈશું. ઈરાન સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ના ખોલે તો તેના ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકી પણ ટ્રમ્પે આપી છે.
ઈરાન આ અલ્ટિમેટમને માને એવી શક્યતા ઓછી છે કેમ કે ઈરાને ટ્રમ્પના અલ્ટિમેટમને બકવાસ ગણાવ્યું છે. ઈરાને વળતી ધમકી પણ આપી છે કે, અમેરિકાનું લશ્કર ઈરાનમાં પગ પણ મૂકશે તો તેના માટે નરકના દરવાજા ખોલી દેવાશે. ઈરાનનો આ મિજાજ નવો નથી કેમ કે ઈરાન પહેલાં પણ ટ્રમ્પનાં ત્રણ અલ્ટિમેટમને ઘોળીને પી ગયું છે. ટ્રમ્પે પહેલાં ઈરાનને પાંચ દિવસની મુદત આપી હતી, પણ ઈરાન એ મુદતને ઘોળીને પી જતાં ટ્રમ્પે વધુ 5 દિવસ લંબાવ્યા હતા. ઈરાને આ અલ્ટિમેટમને પણ ના ગણકારતાં ટ્રમ્પે હવે માત્ર 48 કલાકની મહેતલ આપી છે, પણ ઈરાન હુમલા નથી રોકી રહ્યું એ જોતાં એ અલ્ટિમેટમને માનવાના મૂડમાં નથી એ સ્પષ્ટ છે.
ઈરાને અમેરિકાનાં બે ફાઈટર જેટ પણ ઉડાવી દીધાં છે એ જોતાં ઈરાન નમતું નહીં જ જોખે એવું લાગે છે. ટ્રમ્પ લુખ્ખી દાટીઓ આપે છે છતાં હોર્મુઝ સ્ટ્રેઈટ એટલે કે હોર્મુઝની સામુદ્રધુની કેમ ખોલાવી શક્તા નથી કેમ કે ઈરાને સમુદ્રમાં વોટર માઈન્સ એટલે કે જળ સુરંગો બિછાવી દીધી છે. ટ્રમ્પે પહેલાં ફિશિયારી મારેલી કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં કોઈ વોટર માઈન્સ નથી, પણ અમેરિકન ગુપ્તચર તંત્રે ઈરાને વોટર માઈન્સ બિછાવી હોવાની માહિતી આપી પછી ટ્રમ્પ ટાઢાબોળ થઈ ગયા છે. અમેરિકાનું નેવી કંઈ પણ કરે તો ઈરાન આ વોટર માઈન્સથી ફસાયેલાં ક્રૂડનાં જહાજોને ઉડાવવા માંડે ને રીતસર સમુદ્ર ભડકે બળે તેથી ટ્રમ્પ કશું કરી શકતા નથી. અમેરિકન ગુપ્તચર તંત્રની માહિતી પ્રમાણે, હોર્મુઝ સામુદ્રધુનીમાં મહમ 3 અને મહમ 7 એમ બે પ્રકારની ઈરાની સુરંગો બિછાવવામાં આવી છે, પણ બીજી જળ સુરંગો પણ હોઈ શકે છે.
અમેરિકન ગુપ્તચર તંત્ર હોર્મુઝ સ્ટ્રેઈટ સુધી જઈ શકતું નથી પણ સેટેલાઈટ તસવીરો અને બીજા સોર્સને આધારે આ માહિતી મેળવી છે. અમેરિકા સામેના યુદ્ધમાં ઈરાનને તેનો લાભ પણ મળી રહ્યો હોવાથી પણ અમેરિકા લાચાર છે. ટ્રમ્પ પોતે ઈરાનને ચપટીમાં મસળી શકે તેમ હોવાના ફાંકા મારે છે પણ ખરેખર એવું કરી શકવાની સ્થિતિમાં નથી. ટ્રમ્પે ફરી ધમકી આપી છે કેમ કે ટ્રમ્પે પોતાનો વટ બતાવવા માટે ધમકી આપવી જ પડે તેમ છે. ટ્રમ્પ કશું કર્યા વિના બેસી રહે તો અમેરિકાની ધાક ખતમ થઈ જાય તેથી ટ્રમ્પ ધમકી આપે છે, પણ અંદરખાને ટ્રમ્પ પણ હાંફવા માંડ્યા છે ને સમાધાન ઈચ્છે છે.
