ટીમ ડેવિડની 25 બોલમાં 70 અને કેપ્ટન પાટીદારની 19 બોલમાં 48 રનની વિસ્ફોટક બેટિંગ
આઈપીએલ 2026 ની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા ચેન્નઈ સુપર કિંગ્સને 43 રનથી કારમી હાર આપી છે. આ મેચમાં એ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બેંગલુરુના બેટ્સમેનોએ 250 રનનો વિશાળ પહાડ ઊભો કરીને તેમના આ નિર્ણયને સાવ ખોટો સાબિત કરી દીધો.
આ IPL ના ઈતિહાસમાં બેંગલુરુનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. 251 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની આખી ટીમ 20 ઓવર પૂરી રમે તે પહેલા જ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે, જ્યારે ઈજઊં ની આ સતત ત્રીજી હાર છે.
મેચની શરૂૂઆતથી જ RCB ના બેટ્સમેનો તોફાની મૂડમાં હતા. ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ ટીમને મજબૂત શરૂૂઆત અપાવી. કોહલીને 7 રન પર એક જીવનદાન મળ્યું હતું, ત્યારબાદ તેણે 18 બોલમાં 28 રન બનાવ્યા. જ્યારે સોલ્ટે 30 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી. ત્રીજા નંબરે આવેલા દેવદત્ત પડિક્કલે પણ આવતાની સાથે જ મોટા શોટ્સ ફટકારવાનું શરૂૂ કરી દીધું અને 29 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા.
અસલી રોમાંચ તો છેલ્લી ઓવરોમાં જોવા મળ્યો જ્યારે ટિમ ડેવિડ અને કેપ્ટન રજત પાટીદારે મેદાન પર બોલરોની ધોલાઈ કરી નાખી. નો-બોલ પર આઉટ થતા બચી ગયેલા ટિમ ડેવિડે કેપ્ટન સાથે મળીને માત્ર 29 બોલમાં જ 99 રન ઝૂડી કાઢ્યા! ડેવિડે માત્ર 25 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 70 રન ફટકાર્યા. જ્યારે કેપ્ટન પાટીદારે પણ 19 બોલમાં 6 છગ્ગા સાથે અણનમ 48 રન બનાવ્યા. આ વિસ્ફોટક બેટિંગના આધારે RCB નો સ્કોર 250 સુધી પહોંચી ગયો.
આ મેચમાં ચેન્નઈના બોલરોની બરાબરની પીટાઈ થઈ હતી. અંશુલ કંબોજે પોતાની 4 ઓવરમાં 52 રન અને નૂર અહેમદે 49 રન લૂંટાવ્યા. જ્યારે જેમી ઓવરટન (3 ઓવરમાં 42 રન), મેટ હેનરી (3 ઓવરમાં 36 રન), ખલીલ અહેમદ (4 ઓવરમાં 37 રન) અને શિવમ દુબે (2 ઓવરમાં 30 રન) પણ ઘણા મોંઘા સાબિત થયા હતા.
251 રનના મોટા ટાર્ગેટ સામે ચેન્નઈને જોરદાર ઓપનિંગની જરૂૂર હતી, પરંતુ તેમનો ટોપ ઓર્ડર સાવ ફ્લોપ રહ્યો. રુતુરાજ ગાયકવાડ (7), સંજુ સેમસન (9) અને આયુષ મ્હાત્રે (1) સસ્તામાં આઉટ થઈ ગયા. માત્ર 30 રનમાં જ 3 મોટી વિકેટ પડી ગઈ. આ મુશ્કેલ સમયમાં સરફરાઝ ખાને 25 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 50 રન ફટકારીને લડત આપી, પરંતુ તે કૃણાલ પંડ્યાની બોલિંગમાં મોટો શોટ મારવા જતા જીતેશ શર્માના હાથે સ્ટમ્પ આઉટ થઈ ગયો.
ઇમ્પેક્ટ પ્લેયર કાર્તિક શર્મા માત્ર 6 રન અને શિવમ દુબે 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગયા. જોકે, પ્રશાંત વીર (43 રન) અને જેમી ઓવરટન (37 રન) વચ્ચે 32 બોલમાં 57 રનની ભાગીદારી થતા થોડી આશા જાગી હતી, પરંતુ આ જોડી તૂટ્યા બાદ ચેન્નઈની હાર નિશ્ચિત થઈ ગઈ. 20મી ઓવરના ચોથા બોલ પર અભિનંદન સિંહે મેટ હેનરીને આઉટ કરીને ચેન્નઈને 207 રન પર ઓલઆઉટ કરી દીધું.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ શાનદાર જીત પછી બેંગલુરુની ટીમ 2 મેચમાં 2 જીત, 4 પોઈન્ટ અને +2.501 ના નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં સીધી ટોચ પર પહોંચી ગઈ છે. બીજી તરફ, સતત ત્રણ હાર અને -2.517 ના અત્યંત ખરાબ રનરેટ સાથે ચેન્નઈ સુપર કિંગ્સ ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા નંબરે ધકેલાઈ ગયું છે.
ટીમ ડેવિડે દડો ખોઈ નાખ્યો!
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 43 રને જીત મેળવી છે. આ મેચમાં ટિમ ડેવિડે ધૂંઆધાર બેટિંગ કરી. પોતાની આક્રમક ઇનિંગમાં તેણે 106 મીટરની સિક્સ ફટકારી બોલને સ્ટેડિયમની બહાર પહોંચાડી દીધો હતો. ટિમ ડેવિડે આ સિક્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઇનિંગની 18મી ઓવરમાં જેમી ઓવરટન સામે ફટકારી હતી. જેમી ઓવરટનને આ ઓવરમાં ટિમ ડેવિડે બેક ટૂ બેક ત્રણ છગ્ગા ફટકાર્યા અને કુલ મળીને તેણે 30 રન ફટકાર્યા હતા. ટિમ ડેવિડની ઓ મોન્સ્ટર સિક્સ જોઈને વિરાટ કોહલી પણ પોતાને રોકી શક્યો નહોતો અને પોતાની ખુરશી પરથી ઉછળી પડ્યો હતો. ટિમ ડેવિડે પણ જ્યારે આ છગ્ગો ફટકાર્યો તો તેણે બોલને બાય-બાય કહ્યું હતું. કેમ કે તેને ખબર હતી કે હવે તે બોલ મળવાનો નથી. એવામાં છેલ્લી ઓવર પૂરી કરવા માટે નવો બોલ મંગાવવો પડ્યો હતો.
