ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા ટ્રમ્પની સાન સુપ્રીમ કોર્ટે ઠેકાણે લાવી દીધી છે એવા દાવા થતા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ભારતને બહુ ફાયદો થશે ને ટ્રમ્પની સરકારે ટેરિફ પેટે વસૂલેલી રકમ કંપનીઓને પાછી આપવી પડશે એવી પણ વાતો થતી હતી પણ ટ્રમ્પે 24 કલાકમાં આ બધી વાતોની હવા કાઢી નાંખી છે.ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA ) હેઠળ ભારત સહિતના દેશો પર 25 ટકાથી વધુ ટેરિફ ઠોકી દીધી હતી.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવતાં કહેલું કે, ટ્રમ્પ પાસે IEEPA હેઠળ ટેરિફ લાદવાની સત્તા જ નથી. IEEPA હેઠળ ટેરિફ અમેરિકાની સંસદ લાદી શકે, પ્રમુખ નહીં તેથી સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ના બહુમતીથી ચુકાદો આપતાં ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો હતો.ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા માટે તૈયાર જ બેઠા હોય એમ ચુકાદો આવ્યાના કલાકમાં તો અમેરિકામાં આવતા તમામ માલ પર 10 ટકા ગ્લોબલ ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી. પણ પછીથી એમણે ફેરવી તોળી પંદર ટકાવની જાહેરાતન કરી. અમેરિકાના ’ટ્રેડ એક્ટ ઓફ 1974’ નામે કાયદો છે. આ કાયદાની કલમ 122 હેઠળ અમેકિકાના પ્રમુખને દેશ પર આર્થિક સંકટનો ખતરો જણાય કે દેશની વ્યાપાર ખાધ વધતી લાગે તો આયાત પર ટેરિફ તાત્કાલિક ટેરિફ લગાવવાની સત્તા છે. આ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર કામચલાઉ ધોરણે ટેરિફ લાદવાનો નિર્ણય લઈ શકે છે.ભૂતકાળમાં 1971માં રિચાર્ડ નિક્સને આ સત્તાનો ઉપયોગ કરીને દુનિયાભરના દેશો પર 10 ટકા ગ્લોબલ ટેરિફ લાદી દીધી હતી. અમેરિકામાં આવો કોઈ કાયદો નહોતો કે પ્રભુખ પાસે આવી અબાધિત સત્તા નહોતી તેથી નિક્સને લાદેલા ગ્લોબલ ટેરિફનો મામલો કોર્ટમાં ગયો હતો.

કોર્ટે આ ટેરિફને માન્ય રાખેલા કેમ કે ટેરિફ અમેરિકાના હિતમાં હતા પણ સાથે સાથે ટકોર કરેલી કે, ભવિષ્યમાં આર્થિક કટોકટી આવે તો તેને પહોંચી વળવા પ્રમુખ પાસે કાનૂની અધિકારો હોવા જોઈએ. તેના પગલે 1974માં ટ્રેડ એક્ટ 1974 બનાવાયો હતો. અત્યાર સુધી બીજા કોઈ પ્રમુખે ટ્રેડ એક્ટ 1974 લાગુ કર્યો નથી કે કલમ 122નો ઉપયોગ કર્યો નથી. ટ્રમ્પ 122 લાગુ કરનારા પહેલા પ્રમુખ છે તેથી તેને કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે અમેરિકાની કોર્ટ તેનું કેવું અર્થઘટન કરશે એ કોઈને ખબર નથી પણ અત્યારે તો ટ્રમ્પનો હાથ ઉપર છે. આ કાયદા હેઠળ પ્રમુખ મહત્તમ 15 ટકા ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પે એ સત્તાનો ઉપયોગ કરીને શુક્રવારે જાહેર કરેલા 10 ટકા ટેરિફમાં 5 ટકાનો વધારો કરીને 15 ટકા કરી નાંખી છે. ટ્રમ્પે પહેલાં મોટા ભાગના દેશો પર 25 ટકાની આસપાસ ટેરિફ ઠોકી બેસાડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *