અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે એવું લાગે છે. ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા મનાતા ’પાર્સ’ ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો તેના જવાબમાં ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ’રાસ લફાન’ પર મિસાઈલો છોડી તેમાં કતારના પ્લાન્ટમાં આગ લાગી ગઈ. કતારે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો પણ કલાકો લગી ચાલેલી આગના કારણે કતારને ભારે નુકસાન તો થયું જ છે. આ હુમલાથી ભડકેલા સાઉદી અરેબિયા સહિતના 12 દેશોએ ઈરાન પર હુમલાની ધમકી આપતાં યુદ્ધ બીજા દેશો લગી ફેલાય એવો પણ ખતરો ઊભો થયો છે. સાઉદી અરેબિયા સહિતના દેશો ઈરાન પર હુમલો કરે તો ઈરાન ચૂપ બેસવાનું નથી.
ઈરાને અત્યારે કતારના ગેસ પ્લાન્ટને ભડકે બાળ્યો છે એ રીતે સાઉદી અરેબિયા સહિતના દેશોના ક્રૂડ ઓઈલના ભંડારો પર હુમલા કરીને તેમને પણ ભડકે બાળે જ ને સામે સાઉદી સહિતના આરબ દેશોની વહારે આવીને અમેરિકા પણ હુમલા વધારે એ જોતાં પછી યુદ્ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન સ્થિતિમાં પહોંચી જાય. અત્યારે બંને છાવણી વચ્ચે જબરદસ્ત યુદ્ધ નહીં પણ છમકલાં ચાલી રહ્યાં છે છતાં ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે. માર્ચ 2026 પહેલાં સુધી ક્રૂડ ઓઈલના ભાવ બેરલના 70 ડોલરની આસપાસ હતા પણ અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ શરૂૂ થયું ને પશ્ચિમ એશિયામાં અશાંતિ થઈ તેમાં ક્રૂડ ભડકે બળી રહ્યું છે.
ભારત પેટ્રોલ-ડીઝલ માટે બ્રેન્ટ ક્રૂડ ખરીદે છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 110 ડોલરને પાર થઈ ગયા છે. ઈરાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ કરીને જહાજોની અવરજવર રોકી દીધી તેમાં મોટી સંખ્યામાં ટેન્કરો અટવાયાં છે અને ક્રૂડ તથા ગેસની તંગી વર્તાવા લાગી છે. ભારત પોતાની ક્રૂડની ખરીદીમાંથી 60 ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે મગાવે છે. ઈરાને ભારતને મિત્ર રાષ્ટ્ર ગણાવીને તેનાં જહાજ નહીં રોકાય એવી ખાતરી આપી છે પણ બીજા દેશોનાં જહાજ રોકી દેવાયાં તેમાં રસ્તો અવરોધાયો છે જ તેથી પહેલાંની જેમ સરળતાથી જહાજો આવ-જા નથી કરી શકતાં. ઈરાને જહાજો નથી રોક્યાં એવી સ્પષ્ટતા ભારતના વિદેશ મંત્રાલયે પણ કરી છે પણ સમસ્યા એ નથી. સમસ્યા આ ખાડી પાસે અટવાયેલાં જહાજોનો થઈ રહેલો ખડકલો છે. રોડ પર ટ્રાફિક જામ થાય ને કાર ફસાઈ જાય એ રીતે ભારતનાં પણ અનેક જહાજો ફસાયેલાં છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પહેલાં પણ યુદ્ધ થયેલાં છે. બલ્કે છેલ્લાં કેટલાંક વરસોથી બંને લડ્યા જ કરે છે. આગલા વરસે હમાસે ઈઝરાયલમાં કાળો કેર વર્તાવ્યો ત્યારે પણ બંને વચ્ચે જંગ જામ્યો જ હતો. એ વખતે હુમલા એકબીજાના વિસ્તારો પૂરતા મર્યાદિત હતા પણ આ વખતે ક્રૂડ ઓઈલના ભંડારોને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. આ સંજોગોમાં દુનિયામાં ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની અછત સર્જાય ને તેના કારણે અંધાધૂંધી થઈ જાય એ ખતરો છે.
કમનસીબે અત્યારે ઈઝરાયલ-અમેરિકા શાંત થઈને બેસી જાય એવું લાગતું નથી કેમ કે ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના જંગને અંગત પ્રતિષ્ઠાનો ને વધારે તો અહમનો પ્રશ્ન બનાવી દીધો છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા માટે એવું કારણ આપ્યું કે, ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તેના કારણે આખી દુનિયા પર ખતરો છે. ઈરાનને પરમાણુ સત્તા બનતું રોકવા માટે હુમલો કરવો જરૂૂરી છે.
