હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આવેલા કમોસમી વરસાદ અને તેજ પવને જનજીવન પ્રભાવિત કર્યું છે. બપોર બાદ કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટના અનેક વિસ્તારોમાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડવાના પડ્યો હતો. જામનગરમાં પણ વરસાડી માહોલ જોવા મળ્યો હતો.
ભારે પવનને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને હોર્ડિંગ્સ ઉડવાની ઘટનાઓ સામે આવી છે. ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે(19 માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
