આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે નેકનામ-પડધરી રોડ પર વોચ ગોઠવી એક બંધ બોડીની ટ્રકને અટકાવી હતી, જેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે નેકનામ-પડધરી રોડ પરથી પસાર થતી એક બંધ બોડીની ટ્રક (નંબર ૠઉં-14-ણ-6857) ને રોકીને તપાસ કરવામાં આવી હતી. આ ટ્રકની અંદરથી પોલીસને વિવિધ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂૂની કુલ 14,352 બોટલો મળી આવી હતી. પોલીસે રૂૂ. 56.94 લાખની કિંમતનો દારૂૂ અને 3 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂૂ. 59,94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ટ્રક ચાલક અને મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા તુલસીપાર્કમાં રહેતા નવઘણ મોહનભાઈ બાંભવા નામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ આટલો મોટો દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
