રોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધી

રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અડફેટે રિક્ષાનો ખુરદો બોલી ગયો ચોટીલા લગ્નમાં જતા રાજકોટ અને જામનગરના બે પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટકયો ક્રેનની…

રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અડફેટે રિક્ષાનો ખુરદો બોલી ગયો

ચોટીલા લગ્નમાં જતા રાજકોટ અને જામનગરના બે પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટકયો

ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઢવા પડયા, હાઇવે ઉપર દસ કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિક પોલીસે જાહેર કરેલા અકસ્માત ઝોન નજીક રોંગસાઈડમાં ધસી આવેલા એક ટ્રકે સીએનજી રીક્ષાને અડફેટે લેતા રિક્ષા રોડ નજીકના ખાડામાં ખાબક્યા બાદ ટ્રક આ રિક્ષા પર યમરાજ બનીને ખાબક્યો હતો. જેમાં ચોટીલા લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા જયારે રિક્ષામાં બેઠેલ વેપારીને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડયો છે. રિક્ષાની અંદર બેઠેલા પરિવારના સાત સભ્યો દબાઈ ગયા હતાં. સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોએ સ્થળ પર જઈ બચાવ કામગીરી કરી હતી. અકસ્માત બાદ ક્રેનની મદદથી ટ્રકને ખાડા માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. માલીયાસણ નજીક અકસ્માત ઝોન નજીક બનેલા આ બનાવ બાદ કલેકટર, પોલીસ કમિશ્નર તેમજ આરટીઓના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. હાઇવે ઉપર અકસ્માતો ન બને તે માટે સરકાર દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે ફોરમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહ્યો ત્યારે વાહન ચાલકોની મુર્ખાઈ અને અજડાઈના કારણે અકસ્માતોની ઘટના બને છે. રાજકોટ નજીક માલિયાસણની આગળ ચાંદની નોનવેજ હોટલ નજીક સીએનજી રિક્ષાને સામેથી રોંગસાઈડમાં માતેલા સાંઢની જેમ ઘસી આવેલા ટ્રકે ઠોકરે ચડાવી હતી. રીક્ષા રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી અને ટ્રક પણ જાણે યમરાજ બનીને રિક્ષા ઉપર ખાબક્યો હતો ટ્રકની નીચે દબાઈ જવાથી રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. આ અકસ્માતમાં જામનગરના દુર્લભનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈ નકુમ (ઉ.વ.30) પત્ની શિતલબેન યુવરાજભાઈ નકુમ (ઉ.વ.28) તેમજ બહેન ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.22) અને રાજકોટના નવાગામ રહેતા શારદાબેન જીણાભાઈ નકુમ (ઉ.વ.60) , વેદાંશી સાગરભાઈ સોલંકી (ઉ.વ.8 માસ), નંદનીબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.20)ના મોત નિપજ્યા છે.

જ્યારે આનંદ વિક્રમભાઈ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.બનાવ બાદ પોલીસ તંત્ર, ફાયર બ્રીગેડ તથા અન્ય ટ્રાન્સપોટરની ક્રેઈન સ્થળ પર બોલાવી તેની મદદથી ટ્રકને ઉચો કરાયો હતો. ત્યાર બાદ રિક્ષાની અંદરના મૃતદેહો બહાર કઢાયા હતાં.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ જામનગરના દુર્લભનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈની ભાભી રાજકોટ રહેતા નંદનીબેન સાગરભાઈ સોલંકીના કાકાના પુત્ર શંભુના ચોટીલા ખાતે લગ્ન હોય અને મોરબી જાન જવાની હોય જામનગરથી રિક્ષા લઇ ને આવેલ પરિવાર રાજકોટ આવ્યો હતો અને નવાગામથી ભાણેજ આનદ અને શારદાબેન તેમજ નંદનીબેન અને વેદાંશીને રિક્ષામાં બેસાડી પરિવારના સાત સભ્યો ચોટીલા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં કાળમુખા ટ્રકે રિક્ષાને હડફેટે લીધી હતી. પરિવાર લગ્ન-પ્રસંગમાં હાજરી પુરવા માટે ચોટીલા પહોંચે તે પૂર્વે રસ્તામાં જ કાળ આંબી ગયો હતો. પોલીસ દ્વારા આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી નાશી છુટેલા ચાલકને ઝડપી લેવા તપાસ શરૂૂ કરી છે.

મૃતકોની જામનગર અને રાજકોટમાં અંતિમવિધિ, પરિવારમાં શોક

માલીયાસણ નજીક અકસ્માતમાં જામનગરના દુર્લભનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈ નકુમ (ઉ.વ.30) પત્ની શિતલબેન યુવરાજભાઈ નકુમ (ઉ.વ.28) તેમજ બહેન ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.22) રાજકોટ ના નવાગામ રહેતા શારદાબેન જીણાભાઈ નકુમ (ઉ.વ.60) , વેદાંશી સાગરભાઈ સોલંકી (ઉ.વ.8 માસ), નંદનીબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.20)ના મોત હોય મૃતક યુવરાજ અને તેની પત્ની શીતલબેન અને બહેન ભૂમિની જામનગર ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી જયારે શારદાબેન, નંદનીબેન સોલંકી અને 8 માસની વેદાંશી સોલંકીની રાજકોટ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. એક જ પરિવારના રાજકોટ અને જામનગર ના 6 સભ્યોના મોત થી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

સિક્સલેનનું કામ કરતી કંપનીને બ્લેકલિસ્ટ કરાયા બાદ કામ અટકી પડતા અકસ્માતના બનાવો વધ્યા

રાજકોટની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કામ કરી રહેલી કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેકલીસ્ટ કરાયા બાદ સિક્સલેન અને ઓવરબ્રીજનું કામ અટકી પડ્યુ હતું. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડીરહ્યો હતો. તેવા સમયે તાજેતરમાં અટકેલા કામનું વિઘ્ન દુર થતાં અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેઓ દ્વારા કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ ટ્રાફિકની મુશ્કેલી હજુ પણયથાવત છે. તેવા સમયે રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી સીએનજી રીક્ષા માલિયાસણની આગળ ચાંદની નોનવેજ હોટલ નજીક પોહંચતા સામેથી રોંગસાઈડમાં માતેલા સાંઢની જેમ ટ્રક ધસી આવ્યો હતો. જેના ચાલકે કાબુ ગુમાવી પ્રથમ રિક્ષાને ઠોકરે ચડાવી હતી. જેથી રીક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *