ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલી છકડોરિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો.
આઈસર ટ્રક આંકોલવાડીથી ગોળ ભરીને તાલાલા તરફ જઈ રહીં હતી. આ દરમિયાન સુરવા-માધુપુર વચ્ચે આઈસરચાલકે કાબૂ ગુમાવતાં પહેલા છકડો રિક્ષા અને બાદમાં બાઈકને ટક્કર મારી હતી. આઈસરે બાઈકને ટક્કર મારતાં બાઈક રોડ પરથી ઊતરી ખેતરમાં ફંગોળાઈ હતી અને ઘટનાસ્થળે બાઈક પર સવાર કાકા-ભત્રીજાનાં મોત થયાં હતાં. અને છકડોરિક્ષા ચલાવનારનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે તેનાં પત્ની-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત થયાં હતાં. ટ્રિપલ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ બાઇક પર સવાર જાવંત્રી(ગીર) ગામના કાકા-ભત્રીજા દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયા (ભત્રીજો) અને પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા (કાકા) બંને તાલાલા લગ્નની ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. એક મહિના બાદ મૃતક દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયાના લગ્ન હતા. લગ્ન પહેલાં જ પુત્ર અને કાકાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે.
અકસ્માતની આ ઘટનામાં નારિયેળ ભરેલી છકડોરિક્ષા ચલાવનારના તાલાલા નિવાસી 45 વર્ષીય કિશોરભાઈ હરિભાઇ મારડિયાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે છકડોમાં સવાર તેમનાં પત્ની 35 વર્ષીય લક્ષ્મીબેન અને પુત્ર 19 વર્ષીય યશવંત ઇજાગ્રસ્ત થયાં છે આ ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહો પરનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
