કોસંંબા પાસે ડ્રાઈવરને ઝોકું આવતા ખાડીમાં ખાબકી : 25 જેટલા મુસાફરોને પતરા ચીરી બહાર કાઢી સારવારમાં ખસેડાયા
રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતના કોસંબા નજીક આવેલી ખાડીમાં વહેલી સવારે ખાબકતા બસમાં સવાર તમામ મુસાફરો નિંદરમાં જદબાઈ ગયા હતા. જેમાં બસના પતરા કાપી અને 40 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ગંભીર રીતે ઘાયલ મુસાફરોની સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. ત્યાં એક યુવકનું મોત થયું હતું.
કેબિનમાં બેસેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા સબ ફાયર ઓફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે, વિભાગને કોલ મળ્યા બાદ ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મુસાફરો તમામ સૂતા હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી. કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનવાના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિલા અને એક પુરુષને વધુ ઇજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરાં કાપી અને પહોળાં કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
યુવકની હાલત વધુ ગંભીર હતી તે સંદીપ રામદાસ બાવિસ્કરા (ઉ.વ.45)નું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં ડ્રાઇવર ક્યાંય મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઊતરી ગઈ હતી.