ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાએ બીલીયાળા ગામના હેમાંશુભાઈ હરેશભાઇ દેશાણી વિરુદ્ધ બ્લેકમેઇલિંગ અને ઓનલાઈન બદનામીની ગંભીર ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ ઘટના અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (B.N.S) અને આઈ.ટી. એક્ટની કલમો હેઠળ તારીખ 13/05/2026 ના રોજ વિધિવત ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી ધ્રુવીબેન વિપુલભાઈ અગ્રાવતના જણાવ્યા અનુસાર, તેઓ ત્રણ વર્ષ અગાઉ બીલીયાળા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે તેમની ઓળખાણ તેમની શેરીમાં જ રહેતા અંકીતાબેન સાથે થઈ હતી. આ અંકીતાબેન આરોપી હેમાંશુભાઈ દેશાણીના પત્ની છે. ત્યારબાદ થોડા સમય પછી ધ્રુવીબેનના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર ‘nirali9896’ નામના ફેક આઈ.ડી. પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી અને મેસેજ દ્વારા વાતચીત શરૂૂ થઈ હતી. આશરે બે-ત્રણ મહિના સુધી વાતચીત થયા બાદ હેમાંશુભાઈએ કબૂલાત કરી હતી કે આ ’નિરાલી’ નામનું આઇ.ડી. તે પોતે જ વાપરે છે.
આ ઘટના બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ હેમાંશુ ભાઈના નંબર પરથી વ્હોટ્સએપ વીડિયો કોલ મારફતે એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ સમયગાળા દરમિયાન આરોપી હેમાંશુભાઈએ વીડિયો કોલ વખતે પરિણીતા પાસે બિભસ્ત ચેનચાળા કરાવીને પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. જ્યારે બંનેના પરિવારને આ સંબંધોની જાણ થઈ ગઈ, ત્યારે પરિણીતાએ હેમાંશુભાઈ સાથેના તમામ સંબંધો અને વાતચીત પૂરી કરી દીધી હતી.સંબંધો તૂટી જવાની વાત આરોપીને ન ગમતા તેણે પરિણીતાને રૂૂબરૂૂ મળીને ધમકી આપી હતી. આરોપીએ પરિણીતાના ન્યુડ વીડિયો અને ફોટા બતાવીને 50,000 રૂૂપિયાની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે જો તે રૂૂપિયા નહીં આપે અને સંબંધ નહીં રાખે, તો તે તેના પતિને મારી નાખશે અને ફોટા વાયરલ કરી દેશે.
પરિણીતાએ ખંડણી આપવાનો ઇનકાર કર્યો હતો અને આ સમગ્ર બાબતની જાણ પોતાના પતિને કરી દીધી હતી.તારીખ 30/04/2026 ની રાત્રે પરિણીતાના કાકાજીના દીકરાએ ફોન કરીને તેના પતિને જાણ કરી હતી કે ધ્રુવીબેનના બિભત્સ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. તપાસ કરતા એવું ખુલવા પામ્યું હતું કે આરોપી હેમાંશુ દેશાણીએ ’તવફિમવફ તફદફહશુફ’ નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવીને તેમાંથી આ ન્યુડ વીડિયો અને ફોટાઓ વાયરલ કરી પરિણીતાને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું.આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(2), 351 (3), 356 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66સી, 67, અને 67એ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મદદનીશ પોલીસ અધીક્ષક પ્રખર કુમાર ચલાવી રહ્યા છે.
