રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશે

  સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે.…

 

સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે. રાજ્યના 8 સિનિયર IPS અધિકારીઓ આગામી 11 અને 12 જૂને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે અને સ્થાનિક લોકોના ઘરે જ રાત્રિ રોકાણ કરીને સરહદી જીવનની વાસ્તવિક સ્થિતિ જાણશે.

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ માત્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતવાનો અને તેમની સમસ્યાઓને નજીકથી સમજવાનો પણ છે. અધિકારીઓ ગ્રામજનો સાથે બેઠકો કરશે, તેમના પ્રશ્નો સાંભળશે તેમજ દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે.

આ મુલાકાત દરમિયાન રાત્રિના સમયે બોર્ડર પેટ્રોલિંગ, સુરક્ષા એજન્સીઓની કામગીરી, સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ અને સ્થાનિક સ્તરે મળતા ઇનપુટ્સની પણ સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને સરહદી ગામોમાં સુરક્ષા અને વિકાસ વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તે દિશામાં સૂચનો એકત્ર કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ વિભાગ આ અભિયાનને માત્ર પ્રોટોકોલ આધારિત મુલાકાત તરીકે નહીં પરંતુ ગ્રાઉન્ડ ઝીરો ફીડબેક મિકેનિઝમ તરીકે જોઈ રહ્યો છે. સરહદ પર રહેતા લોકો અને સુરક્ષા તંત્ર વચ્ચે વધુ સંકલન ઉભું થાય અને કોઈપણ પડકાર સામે ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સરહદી વિસ્તારોમાંથી ગ્રાઉન્ડ લેવલ ફીડબેક એકત્ર કરાશે અંતરિયાળ સરહદી વિસ્તારોમાં રાજ્ય પોલીસનું ટોચનું નેતૃત્વ આ રીતે લોકો વચ્ચે જઈને રાત વિતાવશે, જેના કારણે સુરક્ષા સાથે જનવિશ્વાસ મજબૂત કરવાનો સંદેશ પણ જશે. 7 મહિના પહેલા આ જ રીતે હર્ષ સંઘવી પણ 30 IPS સાથે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામડાઓમાં રોકાઈને સ્થિતિ જાણી હતી. ગામલોકો સાથે ખાટલા બેઠક કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો.

આ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયત છે. મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી, દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદ, રાત્રીસભા, ગ્રામજનો સાથે લોકસંવાદ તથા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે.

 

સિનિયર અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી
ADGP વાબંગ જમીર, વાવ – થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે.
ADGP અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ
IGP બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા
DIGP એ. એમ. મુનિયા વાવ – થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
કચ્છ (વેસ્ટ) જિલ્લામાં DIGP કે. એન. ડામોર જુના અને દેઢીયા ગામ
DIGP ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર
ACP આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ
DIGP સુધા એસ. પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *