અન્ય એક બાળા ગંભીર: પરપ્રાંતીય પરિવાર પર વજ્રાઘાત
ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે ગતસાંજે તળાવના પાણીમાં ડૂબી જતા પરપ્રાંતિય માસુમાળા તથા તેના નાનાભાઈનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેઓની પિતરાઈ બહેન એવી એક નાની બાળકીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવેલ છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ખેડા ફલિયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા દેવશીભાઈ ગોગનભાઈ ચાવડા નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા થાનસિંહ ચીતુભાઈ ભીંડે નામના 32 વર્ષના એક યુવાનની સાત વર્ષની પુત્રી વૈશાલી તથા તેણીનો ચાર વર્ષનો ભાઈ વિકેશ થાનસિંહ ભીંડે નામના બે ભાઈ બહેન તથા થાનસિંહ ભીંડેના સાળાની બે વર્ષની પુત્રી કવિતા સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે આ જ ગામમાં આવેલા એક ખેતરની બાજુમાં રહેલા ખારીવાળા તળાવ નજીક રમતા રમતા અકસ્માતે પાણીમાં ખાબક્યા હતા.
આ પછી વૈશાલી તથા તેના ભાઈ વિકેશના તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે મૃતકના મામાની દીકરી એવી બે વર્ષીય કવિતાને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બનાવે અંગે મૃતક બાળકોના પિતા થાનસિંહ ચીતુભાઈ ભીંડેએ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર જાણ કરી છે. આ બંને બાળકોના મૃત્યના અહીંની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. માસુમ બાળકોના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે નાના એવા દાત્રાણા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
