પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા

પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા મનપાના ચોક્કસ અધિકારીઓની હપ્તાખોરીએ પાથરણાવાળાને બળ પૂરું પાડ્યાનો વેપારીઓનો આક્ષેપ શહેરના લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં રોડ ઉપર બેસતા…

પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા

મનપાના ચોક્કસ અધિકારીઓની હપ્તાખોરીએ પાથરણાવાળાને બળ પૂરું પાડ્યાનો વેપારીઓનો આક્ષેપ

શહેરના લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં રોડ ઉપર બેસતા ફેરીયાઓના ત્રાસ સામે વેપારીઓએ કોર્પોરેશનને અનેક વખત રજૂઆતો કરી આંદોલન કર્યા જેમાં ધારાસભ્યોેએ પણ મહત્વની ભૂમિકા ભજવી વેપારીઓને સહકાર આપ્યો હતો. અને તંત્ર દ્વારા પાથરણાવાળાઓને અલગ જગ્યા ફાળવવામાં આવી હતી.

પરંતુ થોડા સમય બાદ ફરી એજ સ્થિતિ ઉભી થતા ગઇકાલે વેપારી એસોસીએશને આ મુદ્દે મ્યુ.કમિશનરને રજૂઆત કરી આંદોલનની ચીમકી આપવાનો કાર્યક્રમ ઘડેલ પરંતુ સાંજના સમયે તંત્ર દ્વારા લાખાજીરાજ રોડ ઉપર પાથરણાવાળાઓની સાથોસાથ દુકાનોનો સામાન પણ જપ્ત કરવાનુ ચાલુ કરતા અનેક દુકાનદારોએ માથાકૂટમાં પડવાના બદલે એસોસીએશનથી છેડો ફાડતા પાથરણાવાળાઓ ઝોમઝુસ્સા સાથે એસોસીએશનના પ્રમુખ હિતેશ અનડકટની દુકાને હલ્લાબોલ કરતા મારે એકલાને શું છે. તેમ કહી આંદોલન પડતુ મુકવાની જાહેરાત કરતા પાથરણાવાળાઓ ગેલમાં આવી ગયા હતા અને આ બાબતની ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી.

લાખાજીરોડ ઉપર વર્ષોથી દુકાનોની આગળ પાથરણાવાળાઓ બેસી જવાની ઘટના બનતી આવી છે. જેમાં ખાસ કરીને તહેવારો ટાણે કરોડોના ખર્ચે ધંધો ઉભી કરનાર વેપારીઓને ધંધો કરવાનો સમય આવે ત્યારે પાથરણાવાળાઓ ગ્રાહકો ખેંચી જતા હોય કંટાળેલા વેપારીઓએ આ મુદ્દે અનેક વખત મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી. અને એક સમયે રાજકોટના ધારાસભ્યોએ પણ આ મુદ્દે મધ્યસ્થિ બની પાથરણાવાળાઓને અલગ જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ રોડ ઉપર ધંધો કરવા ટેવાએલા પાથરણાવાળાઓએ ફરી તહેવાર ટાણે રોડ ઉપર અડીંગો જમાવી દેતા ગઇકાલે અલગ અલગ વેપારી એસોસીએશન દ્વારા લડી લેવાનો નિધાર કરી આ મુદ્દે આંદોલન કરવાની તૈયારીઓ આરંભી હતી.

પરંતુ આ બાબતની ગંધ તંત્રને આવી જતા સાંજના સમયે જગ્યા રોકાણની ટીમ લાખાજીરાજ રોડ પર ત્રાટકી હતી. અને પાથરણાવાળાઓની સાથોસાથ દુકાનદારોનો સામાન પર જપ્ત કરવા લાગતા વેપારીઓ પાણીમાં બેસી ગયા હતા અને આંદોલન નથી કરવુ તેવુ જણાવી દેતા પાથરણાવાળાઓએ એસોસીએશનના પ્રમુખ હિતેશ અનડકટની દુકાનને ધેરાવ કરી તમને એકલાને શુ વાંધો છે. તેવુ જણાવતા પોતે એકલો પડી જેશ તેવુ લાગતા પ્રમુખે આંદોલન પડતુ મૂકવાની જાહેરાત કરી હતી.

રાજકોટની સૌથી જૂની ખરીદી બજાર એવી લાખાજીરાજ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓની દુકાન બહાર ફેરિયાઓ દ્વારા પથારો પાથરવામાં આવતો હોય વારંવાર ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાઈ રહી હતી જેના કારણે કોર્પોરેટરથી લઈ મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય, સાંસદ સહિતનાને ફરિયાદ કરાતા અહીં મહાપાલિકાની દબાણહટાવ શાખા દ્વારા વિજિલન્સ બંદોબસ્ત સાથે દબાણ જમ કરવાની કાર્યવાહી શરૂૂ કરાઈ હતી.

જો કે આ કાર્યવાહીને કારણે ફેરિયાઓની સાથે જ વેપારીઓ દ્વારા પણ કરાયેલું દબાણ જપ્ત કરી લેવામાં આવતાં અંદરોઅંદર તડા પડયા હતા અને ગુરૂૂવારે સાંજે વેપારીઓ તેમજ ફેરિયાનું ટોળું લાખાજીરાજ માર્કેટ એસો.ના હોદ્દેદારની દુકાનમાં ઘૂસી જઈ ધમાલ મચાવતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે માર્કેટ એસો.ના હોદ્દેદાર હિતેશ અનડકટે જણાવ્યું કે દબાણો વિરુદ્ધ વેપારીઓ જ એકમત નહીં થતાં હવે આ મુદ્દે અમારા દ્વારા કોઈ જ રજૂઆત કરવામાં આવશે નહીં. અને હવે પછી આ મુદ્દે આંદોલન કયારેય થશે નહી.

ઓર્ગેનાઇઝેશનનો પાવર
લાખાજીરાજ રોડ ઉપર વેપારીઓ અને પાથરણાવાળા વચ્ચે ચાલતા યુધ્ધનો આજે અંત આવ્યો છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી દુકાનો ધરાવતા તેમજ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે ધરોબો ધરાવતા વેપારીઓએ નમતુ જોખવાનો વારો આવ્યો છે. આ મુદ્દે અમૂક આજ સુધી શાંત રહેલ વેપારીઓએ જણાવેલ કે પાથરણાવાળાઓનું સંચાલન તાકતવર ઓર્ગોનાઇઝેશ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ફેરીયાઓ આ ઓર્ગોનાઇઝેશન દ્વારા ફેરીયાઓને રોજેરોજ બાકીમાં માલ આપવામાં આવે છે. અને વેંચાણ કર્યા બાદ પોતાનુ કમિશન કાઢી પૈસા જમા કરાવતા હોય છે. તેવી જ રીતે લાખાજીરાજના અમૂક વેપારીઓ પણ પાથરણાવાળાઓને માલ વેંચવા માટે આપી રહ્યા છે. તેમજ રોડ ઉપર બેસવાનુ ભાડુ પણ ઉઘરાવી રહ્યા છે. શહેરના મોટાભાગના ફેરીયાઓનું સંચાલન કરતા આ ઓર્ગોનાઇઝેશન તાકતવર છે. તેમજ તેમના દ્વારા તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારીઓને હપ્તા અપાતા હોવાથી આ લોકોના ફેરીયાઓનો વાળ પણ વાંકો થતો નથી. આથી આજના બનાવમાં પણ તંત્ર દ્વારા ફેરીયાઓની તરફેણ કરી વેપારીઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આથી જો આ મુદ્દે મ્યુ.કમિશનર દ્વારા તસ્ટથ તપાસ કરવામાં આવે અને લાખાજીરાજ રોડ ઉપર યોગ્ય કાર્યવાહી થાય તો જ આ સમસ્યાનો નિવેડો આવી શકે તેમ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *