સરકાર દ્વારા ભ્રષ્ટાચારી ટીપીઓની મિલ્કતો ટાંચમાં લેવા થોડા સમય પહેલાં જ મંજૂરી આપી’તી
શહેરના ચકચારી ટીઆરપી કાંડમાં સંડોવાયેલા મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા પાસેથી લાંચ રુશ્વત વિરોધી શાખા એ અપ્રમાણસર મિલ્કતના ગુના હેઠળ ઝડપેલી ર8 કરોડની મિલ્કતો જપ્તી કરવા ખાસ અદાલતમાં અરજી રજુ કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ ટી.આર.પી. ગેમઝોનના અગ્નીકાંડ બાદ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાની સામે થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ દરમ્યાન 28 કરોડની મિલ્કતો જપ્ત કરેલી અને જંગલ મિલ્કતો સાથે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરેલી હતુ. આ મિલ્કતો સબંધે તેઓ કોઈ ચોખવટ કરી શકેલા ન હોવાથી અને મિલ્કતો તેમની આવકો કરતા 60 ગણી અપ્રમાણસર હોવાનું જણાયેલ હતુ. આ સબંધે તપાસનીશ અમલદારે સરકારને દરખાસ્ત કરેલી જે અનુસંધાને રાજ્ય સરકારે આ મિલ્કતો સબંધે મનાઈ હુકમ માંગી મિલ્કતો જપ્ત કરી સરકાર ખાલસા કરવા રાજકોટની ખાસ અદાલત સમક્ષ અરજી રજુ કરી છે.
આ અરજી સબંધે સ્પે. પી.પી. મારફત દરખાસ્ત કરવામાં આવેલ છે કે જે સ્થાવર મિલ્કતોને જપ્ત કરી શકાયેલ નથી તે મિલ્કતો આરોપી સાગઠીયા કોઈપણ પ્રકારે તબદીલ કરી નાખે તો કોઈ અજાણ્યા કે નિર્દોષ માણસને વીના કારણે મુશ્કેલી થાય અને અલગ અલગ પ્રકારની અરજીઓના નિકાલ કરવાની પરિસ્થિતી ઉત્પન થાય. આ સંજોગોમાં પી.પી. એ અરજી કરેલી છે કે હાલની આ અરજીની નોટીસ રાજકોટના સબરજીસ્ટ્રાર તથા આર.ટી.ઓ.ને પણ કરવામાં આવેલી જેથી સ્થાવર મિલ્કતની જપ્તીની કાર્યવાહી દરમીયાન જો આરોપી મનસુખ સાગઠીયા આ મિલ્કત તબદીલ કરવાનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજુ કરે તો આવા દસ્તાવેજો રજુ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને તાત્કાલિક કરી શકે. આરોપી સાગઠીયા સામેની આ અરજીમાં સ્પે.પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.
