સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’

ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી…

ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી હોવાનો શોકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં કેટલાક પ્રવાસી દ્વારા વાઘના મોઢામાં ગમછો આપી હેરાનગતિ કરવામાં આવી રહી છે. રિલ્સના ચક્કરમાં હિંસક પ્રાણીની પજવણી કર્યા બાદ કેટલાક પ્રવાસીઓ નફ્ફટાઈથી પૈસા વસૂલ થયાનું પણ બોલી રહ્યા છે. સક્કરબાગ ઝૂમાં હિંસક પ્રાણીની આ રીતે પજવણીનો વીડિયો વાઈરલ થતા ઝૂની સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ સવાલ ઉઠ્યા છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે જૂનાગઢના નવાબીકાળના સક્કરબાગ ઝૂના છે. જેમાં પાંજરામાં કેદ વાઘના મોઢામાં ગમછો આપી કેટલાક પ્રવાસીઓ પજવણી કરી રહ્યા છે. પાંજરાની ખૂબ જ નજીક પહોંચી પ્રવાસીઓ દ્વારા વાઘ તરફ ગમછો ફેંકવામાં આવતા જ વાઘ ગમછો પીંજરામાં ખેંચી લે છે. આટલું ઓછું હોય તેમ, ત્યાં પાંજરામાં નીચે બેઠેલો અન્ય એક બીજો વાઘ પણ તે કપડાને પોતાના મોઢામાં ચાવવા લાગે છે. આ સમગ્ર અમાનવીય હેરાનગતિ કર્યા બાદ પ્રવાસીઓના ટોળામાંથી એક નિર્લજ્જ વ્યક્તિ મોટેથી એવું કહેતો પણ સંભળાય છે કે “ચાલો, પૈસા વસુલ થઈ ગયા”.

આ નવાબી કાળના સક્કરબાગ ઝૂમાં સિંહ, વાઘ, દીપડા સહિત અનેક દુર્લભ પશુ-પક્ષીઓને પ્રવાસીઓ માત્ર નિહાળી શકે અને તેમના વિશે માહિતી મેળવી શકે તે માટે રાખવામાં આવ્યા છે. પરંતુ અહીં અલગ-અલગ પ્રવાસીઓ દ્વારા વાઘની જે રીતે પજવણી કરવામાં આવી, તેણે ઝૂ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાની પણ પોલ ખોલી નાખી છે. પાંજરાની આસપાસ સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આ પ્રકારની ઘટના કેવી રીતે બની તે એક મોટો સવાલ છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ ગંભીર મામલે સક્કરબાગ ઝૂના આર.એફ.ઓ. સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર વીડિયો અને ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને હાલ આ મામલે ઝૂ પ્રશાસન દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ જવાબદાર પ્રવાસીઓને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *