ભાવનગરના ફરિયાદકા ગામે 20 ટકા વળતરની લોભામણી સ્કીમ આપી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. વરતેજ પોલીસે રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપીઓ સંજયભાઇ મુળજીભાઇ ધામેચા અને યોગેશભાઇ વેલજીભાઇ ધામેચાની કડક પૂછપરછ હાથ ધરી હતી.
આ 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ રોકાણકારોના નાણાંમાંથી કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરી હોવાની અને રોકડ રકમ સંતાડી હોવાની કબૂલાત આપી હતી.
જેના આધારે પોલીસે આરોપીઓ પાસેથી 20 લાખ રૂૂપિયા રોકડા, રૂૂ. 8.23 લાખના સોનાના દાગીના, રૂૂ. 7 લાખની સ્વિફ્ટ ડીઝાયર કાર, રૂૂ. 70 હજારનું એક્સેસ સ્કૂટર અને નોટ ગણવાનું મશીન સહિત કુલ રૂૂ. 35,94,500/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં ફરિયાદી સહિત કુલ 103 ભોગ બનનારા નાગરિકોના નિવેદનો લેવાયા છે, જેમાં અંદાજે 6 કરોડ 19 લાખ 24 હજારથી વધુની રકમ પરત આપવાની નીકળતી હોવાનું ખૂલ્યું છે. આ મામલે ભાવનગર જિલ્લા પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે જો અન્ય કોઈ નાગરિકોએ પણ આ આરોપીઓ પાસે નાણાંનું રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી હોય, તો તેઓએ તાત્કાલિક જરૂૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે કાયદેસરની કાર્યવાહી માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરવો.
