“આજે તો તમને મારી જ નાખવા છે”, નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિનો પત્ની-પુત્રી પર હુમલો

રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજનામાં કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 22 વર્ષીય યુવતી ચૈતાલીબેન હાર્દિકભાઈ સોલંકીએ પોતાના જ બુટલેગર…

રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજનામાં કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 22 વર્ષીય યુવતી ચૈતાલીબેન હાર્દિકભાઈ સોલંકીએ પોતાના જ બુટલેગર પિતા વિરુદ્ધ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે,આશરે ચાર મહિના પહેલા પારિવારિક અણબનાવને કારણે ફરિયાદી અને તેની માતા મુંબઈ રહેવા જતા રહ્યા હતા. જોકે, ગત 1 એપ્રિલના રોજ યુવતી તેની બી.કોમ. સેમેસ્ટર-6ની પરીક્ષા આપવા રાજકોટ આવી હતી. બાદમાં પિતાએ પોલીસમાં ગુમ થયાની અરજી કરતા, પરિવાર વચ્ચે મધ્યસ્થી થઈ હતી અને પત્ની-પુત્રી ફરીથી પિતા સાથે રહેવા સહમત થયા હતા.

પુન: મિલન બાદ બધું સુખરૂૂપ ચાલશે તેવી આશા વચ્ચે, ગત 16 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે ઝઘડો થયો હતો.રાત્રે આશરે 11:30 વાગ્યે પિતા હાર્દિકભાઈ ઉર્ફે કવી સોલંકીએ ચૈતાલી પાસે તેનો મોબાઈલ ફોન માંગ્યો હતો. પુત્રીએ ફોન આપવાની ના પાડતા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી પુત્રીને ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. જ્યારે માતા જયશ્રીબેન પોતાની દીકરીને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપી પિતાએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. આરોપીએ આટલેથી ન અટકતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, “આજે તો તમને મારી જ નાખવા છે,” જેના કારણે ગભરાયેલા માતા-પુત્રી ત્યાંથી નીકળી ગયા હતા.

આ બનાવ અંગે ચૈતાલીબેને 17 એપ્રિલના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 351(3), અને 352 હેઠળ ગુનો દાખલ કર્યો છે.આરોપી હાર્દિક ઉર્ફે કવિ અગાઉ દારૂૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *