80 હજારની ઉઘરાણી માટે યુવકને લસ્સીમાં ઘેનના ટિકડા પીવડાવી ભાદરમાં ડૂબાડી દીધો

જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી મામલે પિતા અને પુત્રએ મળીને 27 વર્ષીય સમીર નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી બેભાન…

જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી મામલે પિતા અને પુત્રએ મળીને 27 વર્ષીય સમીર નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી બેભાન કર્યો હતો. ત્યાર બાદ જેતપુર નજીક ભાદર નદીમાં ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી પિતા નાસિરખાન અને પુત્ર દાઉદ ખાન ધરપકડ કરી છે. આ નાસિર ખાન અગાઉ ‘નાનજી કાતરિયા’ હતો. તેણે ઘણા સમય પહેલાં ધર્મપરિવર્તન કરી લીધું હતું.

જૂનાગઢના સુખનાથ ચોક પાસે બારાસૈયદ રોડ પર કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મૃતકના ભાઈ 24 વર્ષીય સાહિલ હનીફભાઈ શેખે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાસિરખાન પઠાણ અને તેના પુત્ર દાઉદખાન નાસિરખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી નાસિરખાન પઠાણ ફરિયાદીના સગા ભાઈ સમીર હનીફભાઈ શેખ પાસે 80,000 રૂૂપિયા માંગતો હતો. સમીર પાસે હાલ પૈસાની સગવડ ન હોવાથી તેણે મજૂરીકામ કરીને થોડા-થોડા પૈસા ચૂકવી દેવાની ખાતરી આપી હતી, તેમ છતાં નાસિરખાન તેને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.

પૈસાની આ લેતીદેતીમાં પિતા-પુત્રએ સમીરનો કાંટો કાઢી નાખવાનું કાવતરું રચ્યું હતું. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રએ પૂર્વઆયોજિત કાવતરું રચી સમીરને કલરકામના બહાને ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેને ઘેનની દવાથી બેભાન કરી દીધો હતો. ત્યાર પછી આરોપી પિતા પુત્રમાંથી પિતા નાસિરખાને સમીરનું જ કાળા રંગનું એક્ટિવા ચલાવી બેભાન સમીરને વચ્ચે બેસાડ્યો હતો અને પાછળ પુત્ર દાઉદખાન તેને પકડીને બેઠો હતો.

બંને આરોપીઓ બેભાન સમીરનું અપહરણ કરીને જૂનાગઢથી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામ પાસે આવેલા ભાદર નદીના પુલ પર લઈ ગયા હતા અને કોઈને શંકા ન જાય તે રીતે તેને નદીમાં ફેંકી દીધો હતો. જેના કારણે સમીરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કરી સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે અને બંને આરોપી પિતા-પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, આ કેસમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધાયું હતું, પરંતુ પરિવારજનોએ નાસિર ખાન પઠાણ નાણાની માંગણી કરતો હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ખુલ્યું કે આરોપી નાસીર ખાન પઠાણ અને તેનો પુત્ર દાઉદખાન મૃતક સમીર પાસે 80,000 માંગતા હતા. જો કે આ રૂૂપિયા વ્યવસ્થા થશે ત્યારે આપીશ તેમ જણાવતા બંનેએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા, કાવતરું અને મદદગારીનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

નાનજીમાંથી નાસીર બનેલા શખ્સે સાળાને પણ ડુબાડી મારેલ
પોલીસના કહેવા મુજબ આરોપી વિરુદ્ધ જેતપુર સીટી સહિત લૂંટ અને મારામારીના ગુના નોંધાયેલા છે. 2020માં ગોંડલ તાલુકાના વેકરી ગામે નદીના પુલ પર સાળાને ડૂબાડી મારી નાખવાના ગુનામાં પણ તેની સામે કાર્યવાહી થઈ હતી. અગાઉ ‘નાનજી કાતરિયા’ નામ ધરાવતા આ આરોપીએ ઘણા સમય પહેલાં ધર્મપરિવર્તન કરી નાસિર ખાન પઠાણ નામ ધારણ કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *