શહેરના અટીકા વિસ્તારમાં આવેલા વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતાં યુવાને પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉછીના લીધેલા નાણાની ઉઘરાણીથી કંટાળી ટેન્શનમાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા કોલોનીમાં રહેતાં અને વિરાણી અઘાટમાં ન્યુ નહેરૂનગર ઈન્ડસ્ટ્રીઝ એરિયા રોડ પર વિશ્ર્વકર્મા એન્જીનીયરીંગ કામનું લેથ મશીનનું કારખાનું ધરાવતાં કૃપાલ પ્રકાશભાઈ અખીયાણીયા (ઉ.32) નામના યુવાને આજે સવારે પોતાના કારખાનામાં માકડ મારવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં કૃપાલ એક ભાઈ એક બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે મિત્ર સર્કલ પાસેથી રૂા.8 લાખ ઉછીના લીધા હતાં. જેથી મિત્ર સર્કલ ઉછીના લીધેલા નાણાની ઉઘરાણી કરતાં હોય જેના ટેન્શનમાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
