ભાજપના ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ દાવેદારી પરત ખેંચી
સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી, અલ્પેશ કથીરિયાની પત્નીને મળી ટિકિટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સૌથી મોટા સમાચાર પાટીદાર નેતાઓ તરફથી આવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સૌથી મોટા સમાચાર પાટીદાર નેતાઓ તરફથી આવી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 2 માંથી ભાજપમાં દાવેદારી નોંધાવનાર પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ અચાનક પોતાની દાવેદારી પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.
આ સમગ્ર મુદ્દે અન્ય પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પક્ષના આદેશ અને શિસ્તને વરેલા રહીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કથીરિયાએ ઉમેર્યું કે, “હું અને ધાર્મિક બંને સાથે મળીને ભાજપને જંગી મતોથી જીતાડવા માટેના પ્રયત્નો કરીશું. પાર્ટી આગામી સમયમાં અમને જે પણ મોટી જવાબદારી સોંપશે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું.”
બીજી તરફ, અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કંથેરીયાને ટિકિટ મળી છે અને તેમને ફોન આવી ગયો છે. ધાર્મિક માલવિયાની પીછેહઠ બાદ હવે વોર્ડ નંબર 2 માં નવા સમીકરણો રચાયા છે. ભાજપ હવે આ બેઠક પર કયા મજબૂત ચહેરાને ઉતારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
