પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજકોટ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને વધારાની જગ્યા મળશે અને લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનશે. સુધારેલી કોચ સંરચનાની વિગતો નીચે મુજબ છે: ટ્રેનોમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવી છે.
આ વ્યવસ્થા ઓખાથી 26 એપ્રિલ 2026 અને શાલીમારથી 28 એપ્રિલ 2026 થી અમલી બનશે. પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ (12905/12906): આમાં પણ જનરલ કોચ 3 થી વધીને 4 થશે. પોરબંદરથી 29 એપ્રિલ 2026 અને શાલીમારથી 01 મે 2026થી આ સુવિધા અમલી બનશે. પોરબંદર-સિકંદરાબાદ -પોરબંદર એક્સપ્રેસ (20968 /20967): આ ટ્રેનમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં આવી રહી છે. આ ફેરફાર પોરબંદરથી 28 એપ્રિલ 2026 અને સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026 થી અમલી બનશે. પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (12949/12950): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 2થી સીધી વધારીને 4 કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી 01 મે 2026 અને સાંતરાગાછીથી 03 મે 2026 થી અમલી બનશે. આ પહેલથી ખાસ કરીને સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરી વધુ સુલભ અને આરામદાયક બનશે.
